હોર્મુઝ સામુદ્રધુનિ ખોલવાનો ર્નિણય ઈરાને પાછો ખેંચ્યો - સ્થિતિ પુન: સ્ફોટક

હોર્મુઝ સામુદ્રધુનિ ખોલવાનો ર્નિણય ઈરાને પાછો ખેંચ્યો - સ્થિતિ પુન: સ્ફોટક

(એજન્સી)         તેહરાન તા.૧૮:
વૈશ્વિક અર્થતંત્ર અને દરિયાઈ વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hromuz)ને લઈને ફરી એકવાર અનિશ્ચિતતાના વાદળો છવાયા છે. ઈરાને અમેરિકા દ્વારા ચાલુ રાખવામાં આવેલા આર્થિક અને લશ્કરી બ્લોકેડના વિરોધમાં આ દરિયાઈ માર્ગ ખોલવાનો પોતાનો અગાઉનો ર્નિણય પાછો ખેંચી લીધો છે. ઈરાની સંસદના સ્પીકર એમ.બી. ગાલિબાફે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે જ્યાં સુધી અમેરિકા પોતાનું વલણ નહીં બદલે ત્યાં સુધી આ મહત્વપૂર્ણ જળમાર્ગ ખુલ્લો રહેશે નહીં. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ દાવો કર્યો હતો કે ઈરાન સાથેની સ્થિતિ સુધરી રહી છે અને હોર્મુઝનો માર્ગ ખુલ્લો રહેશે. જોકે, ગાલિબાફે ટ્રમ્પના આ નિવેદનોને સખત શબ્દોમાં નકારતા કહ્યું કે ટ્રમ્પે એક કલાકમાં સાત દાવા કર્યા અને સાતેય ખોટા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે અમેરિકા અસત્યના સહારે આ યુદ્ધ જીતી શક્યું નથી અને વાતચીતમાં પણ સફળ થશે નહીં. સામુદ્રધુનીમાંથી પસાર થવા માટે હવે ઈરાનની મંજૂરી અને નિર્ધારિત માર્ગોનું પાલન કરવું ફરજિયાત રહેશે. તેમણે વધુમાં ઉમેર્યું કે રસ્તો ખુલ્લો છે કે બંધ તે સોશિયલ મીડિયા નહીં પણ જમીની સ્થિતિ અને ઈરાનના નિયમો નક્કી કરશે.