અંબાજી મંદિરના મહંત પદ માટે હવે કુલ 18 દાવેદારો મેદાનમાં

અંબાજી મંદિરના મહંત પદ માટેની અરજીઓ સ્વીકારવાની મુદ્દત ગઈકાલે પૂર્ણ : બ્રહ્મલીન મહંત તનસુખગીરી બાપુના ઉત્તરાધિકારી કોણ બનશે?

અંબાજી મંદિરના મહંત પદ માટે હવે કુલ 18 દાવેદારો  મેદાનમાં

જૂનાગઢ તા.રપ
લોકોની આસ્થાના કેન્દ્ર એવા અંબાજી માતાજી મંદિરના મહંત અને ટ્રસ્ટીની નિમણુંક માટેની જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને આ બાબતે અરજીઓ કરવા માટેની તક આપવામાં આવી હતી અને ગઈકાલે છેલ્લો દિવસ હોય, સાંજના પાંચ વાગ્યા સુધીમાં કુલ-18 દાવેદારોએ અરજી આપી છે અને આ સાથે જ આગળની કાર્યવાહી હવે વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ આખરી નિર્ણય લેવાશે અને મહંત પદે કોની નિમણુંક થશે તે બાબતે સંબંધીત તમામની મીટ મંડાયેલી છે.
અંબાજી મંદિરના મહંત પૂ.તનસુખગીરીબાપુના બ્રહ્મલીન થયા બાદ જે-તે વખતે મહંતની નિમણુંક માટેનો વિવાદ સર્જાયો હતો અને આ વિવાદના અનુસંધાને આખરે તંત્ર દ્વારા જે-તે સમયે અંબાજી મંદિર, ભીડભંજન મંદિર સહિતના ધાર્મિક સ્થળો ઉપર વહીવટ સંભાળ્યો હતો અને જે-તે વખતે મામલો થાળે પાડયો હતો. દરમ્યાન સમય અવધિ થતા અંબાજી મંદિર, ભીડભંજન મંદિરના નવા મહંતની નિમણુંક માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને અરજીઓ મંગાવવામાં આવી હતી. જાહેર નિવિદા બહાર પાડવામાં આવી હતી અને તંત્ર દ્વારા દાવેદારોની અરજી માંગવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી હતી શરૂઆતના તબક્કામાં આ અરજીની પ્રક્રિયા સામે પણ વાંધા-વચકા પણ રજુ થયા હતા. આ દરમ્યાન ગઈકાલે દાવેદારોની અરજી સ્વીકારવાની મુદત પૂર્ણ થઈ છે અને કુલ-18 દાવેદારોએ મહંત તરીકેની નિમણુંક માટેની દાવેદારી નોંધાવી છે. જેમાં જગતગુરૂ વિરભદ્રનંદગીરી ગુરૂ દત્તાત્રેય, મહામંડલેશ્વર સ્વામી ઋષિભારથી, ધવલગીરી નરેન્દ્રગીરી ગોસ્વામી, મલયગીરી તરૂણગીરી ગોસ્વામી, કુંદનગીરી અરજણગીરી અપારનાથી, કાંતિગીરી અરજણગીરી અપારનાથી, મહંત મહેશગીરી ગુરૂ અમૃતગીરીજી, અરવિંદભારથી ગુરૂ ઈન્દ્રભારથી, કૈલાશાનંદગીરી ગુરૂ ઈન્દ્રભારથી, રાજેન્દ્રગીરી ગુરૂ મહેન્દ્રાનંદગીરી, સાધવી મનિષાનંદગીરી ગુરૂ મહેન્દ્રાનંદગીરી, દુશ્યંતગીરી કરણગીરી અપારનાથી, થાણાપતિ બુધ્ધગીરી ગુરૂ બચુગીરી, મહાદેવનંદગીરી ગુરૂ હરીગીરી, નાનાપીરબાવા મહંત હેમાંશુગીરી ગુરૂ ગણપતગીરી, તેજસ રસીકભાઈ ભારથી, હર્ષગીરી નરેન્દ્રગીરી અપારનાથી, હિરેન બટુકભાઈ મહેતા સહિતનાઓનો સમાવેશ થાય છે. અરજીઓ સ્વીકારવાની કામગીરી પૂર્ણ થઈ, હવે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ખાસ કરીને નિયમો મુજબ તમામ બાબતની ચકાસણી કરવામાં આવશે તો બીજી તરફ પૂ.તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ મહંત પદનો પ્રશ્ન ગરમાયો હતો અને ખાસ કરીને તનસુખગીરી બાપુના પરિવારજનો માંથી જ કોઈને મહંત પદે નિમણુંક કરવાની માંગણી તેમના પરિવારજનોએ કરી હતી. જાેકે, હાલ તો મહંત પદની અરજીઓ લેવાની કાર્યવાહી સંપન્ન થઈ છે. સવાલ એ ઉઠે છે કે, બ્રહ્મલીન મહંત તનસુખગીરી બાપુના ઉત્તરાધારી કોણ ? તે અંગે સંબંધીત તમામની મીટ મંડાઈ ગઈ છે.