અષાઢ માસમાં મેઘરાજાએ નિરાશ કર્યા : માત્ર ઝાપટારૂપે વરસાદ

૯ પૈકી ૬ તાલુકામાં પ૦ ટકા કરતા પણ ઓછો વરસાદ : ચિંતાજનક સ્થિતી

અષાઢ માસમાં મેઘરાજાએ નિરાશ કર્યા : માત્ર ઝાપટારૂપે વરસાદ

જૂનાગઢ તા. પ
અષાઢ માસ પુરો થવાનાં માત્ર આઠ દિવસ બાકી રહયા છે. ચોમાસાની ઋતુચક્રમાં અષાઢ માસને  વરસાદ માટેનો મહીનો કહેવામાં આવે છે પરંતુ અષાઢ માસમાં અત્યાર સુધીમાં માત્ર ઝાપટા રૂપે જ વરસાદ વરસ્યો હોવાનાં કારણે જૂનાગઢ જિલ્લાનાં ૯ તાલુકા પૈકી ૬ તાલુકામાં અત્યાર સુધીમાં પ૦ ટકા કરતા પણ ઓછો વરસાદ થવાનાં કારણે  સ્થિતી ચિંતાજનક બની છે. લોકો સારા વરસાદની અપેક્ષા રાખી રહયા છે અને જૂનાગઢ જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસે તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે.
ચોમાસાની ઋતુનો પ્રારંભ વર્ષો થયા ૧પ મી જુન આસપાસ થતો હોય છે પરંતુ છેલ્લા કેટલાય વર્ષોમાં વર્ષાઋતુના સમય પત્રકમાં મોટો ફેરફાર થવાનાં કારણે વરસાદનું સમયપત્રક ખોરવાઈ ગયું છે. ખાસ કરીને  ગ્લોબલ વોર્મિંગ, અલનીનોની અસર અને અવાર-નવાર થતી ત્રણથી ચાર સિસ્ટમ કાર્યરત થવાના કારણે કયાંક અચાનક વરસાદ તુટી પડવો તો જયાં પડે છે તેવા વિસ્તારમાં અતિવૃષ્ટી માફક વરસાદ થવાનાં કારણે ભારે  નુકશાન થતું રહયું છે. ચાલુ વર્ષની વાત કરીએ તો આ વર્ષે ચોમાસાનો પ્રારંભ મોડો થયો હતો. ભીમ અગીયારસ, અષાઢી બીજ, ગુરૂપુર્ણિમા સહીતનાં પર્વમાં માત્ર કયારેક ઝાંપટા વરસ્યા છે. જુન માસ કોરો રહયા બાદ ૧ લી જુલાઈથી મેઘરાજાનું ધમાકેદાર આગમન થતાં જૂનાગઢ સહીત સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત અને દેશભરમાં  કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. એક સપ્તાહ સુધી સંપુર્ણ મેઘવર્ષા જેવો માહોલ રહયો હતો અને ત્યારબાદ જુલાઈ માસનાં અંતિમ દિવસોમાં માત્ર હળવાથી ભારે ઝાંપટા સમગ્ર જૂનાગઢ જિલ્લામાં વરસ્યા હતા. આજના દિવસ સુધીમાં ભેજમય વાતાવરણ, વાદળછાયા વાતાવરણ વચ્ચે હવામાનમાં વારંવાર ફેરફારો આવ્યા છે. આ સમયગાળા દરમ્યાન કયારેક ઘટાટોપ વાદળો તો કયારેક તડકો રહે છે. જેના કારણે બેવડી ઋતુનો અનુભવ લોકોને રહયો છે. આ દરમ્યાન આકાશમાં વાદળો ફેલાવવાની સાથે સખ્ત ઉકળાટભર્યુ વાતાવરણ રહયું હતું. ગત સપ્તાહમાં જૂનાગઢ જિલ્લાનાં વિવિધ તાલુકામાં કયાંક ભારે વરસાદ તો કયાંક હળવાથી ભારે વરસાદનાં ઝાંપટા પડયા હતા. આ વર્ષે વાતાવરણમાં આવતા ફેરફારોને કારણે વરસાદ અંગેની આગાહીઓનો દોર પણ ઓછો રહયો છે.
વરસાદ અંગેની  મોટાભાગની આગાહીઓમાં ભારે વરસાદની સંભવિત આગાહીઓ વચ્ચે માત્ર ઝાંપટારૂપે વરસાદ વરસ્યો છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં પડેલા વરસાદ અને ગત વર્ષ કરતા પડેલા વરસાદનાં આંકડા જાેઈશું તો જૂનાગઢ જિલ્લામાં આ વર્ષે ૬ તાલુકામાં પ૦ ટકા કરતા પણ ઓછો વરસાદ પડયો છે. જૂનાગઢ જિલ્લાનાં વિવિધ તાલુકાવાર ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પડેલા વરસાદનું ચિત્ર સ્પષ્ટ થયું છે.
જૂનાગઢ શહેર અને ગ્રામ્યમાં ગત વર્ષે ૧૦૭૮ મી.મી. વરસાદ આ દિવસોમાં થયો હતો. જયારે આ વર્ષે અષાઢ સુધીમાં ૩પ૦ મી.મી. વરસાદ માત્ર ૩ર.૪૭ ટકા થયો છે.  માણાવદરમાં ૯૬ર મી.મી.ની સરખામણીમાં આ વર્ષે  ૪૩૩ મી.મી. વરસાદ ૪પ.૦૧ ટકા થયો છે. જયારે વંથલીમાં ૧૦૮૭ મી.મી.ની એવરેજ સામે ૩૪૦ મી.મી. એટલે કે ૩૧.ર૮ મી.મી. વરસાદ થયો છે. ભેસાણ ૭૯૮ મી.મી.ને સ્થાને ૪૦૭ મી.મી. પ૧.૦૦ ટકા વરસાદ નોંધાયો છે. જયારે વિસાવદર ૧ર૭પ મી.મી.ના સ્થાને ૪૩૬ મી.મી. વરસાદ માત્ર ૩૪.ર૦ ટકા નોંધાયો છે. જયારે મેંદરડા ૧૦૬૪ મી.મી.ના સ્થાને ૬ર૯ મી.મી. વરસાદ થતા પ૯.૧ર ટકા વરસાદ નોંધાયો છે. જયારે કેશોદ ૯૯૮ મી.મી.ના સ્થાને ૮૬૧ મી.મી. વરસાદ થતા ૮૬.ર૭ ટકા વરસાદ નોંધાયો છે. જયારે માંગરોળ એવરેજ ૯૭પ મી.મી.ના સ્થાને ૧૦૭પ મી.મી. વરસાદ થતા ૧૦૯.૬૪ ટકા વરસાદ નોંધાયો છે.  માળીયા હાટીનામાં ૧૧૩પ મી.મી.ના સ્થાને ૮પ૯ મી.મી. વરસાદ થતા ૭પ.૬૮ ટકા વરસાદ નોંધાયો છે. જયારે ગિરનાર ઉપર એવરેજ ર૪૩૦ મી.મી. વરસાદના સ્થાને ૬૪પ મી.મી. વરસાદ પડતા ર૬.પ૪ ટકા વરસાદ નોંધાયો છે.
આમ જૂનાગઢ શહેર તેમજ જિલ્લાનાં વિવિધ તાલુકાનું વરસાદનું ચિત્ર જાેતા ૬ તાલુકામાં વરસાદની ઘટ જાેવા મળે છે. લોકો સારા વરસાદની અપેક્ષા રાખી રહયા છે.