કચ્છના ઉદ્યોગ કામદારોને ESI લાભો આપવા : PIL : ગુજરાત હાઈકોર્ટે કેન્દ્ર, રાજ્ય અને ESI કોર્પોરેશન પાસે જવાબ માંગ્યો
અમદાવાદ, તા.૧
ગુજરાત હાઈકોર્ટે એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ (ESI) એક્ટ હેઠળના લાભો કચ્છ જિલ્લાના કામદારોને આપવા માટે દાખલ કરાયેલી જાહેર હિતની અરજી (PIL) ઉપર (ESI) કોર્પોરેશન, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે. આ લાભો ખાસ કરીને જિલ્લાના જાેખમી ઉદ્યોગોમાં કામ કરતા મજૂરોને પર્યાપ્ત તબીબી સુવિધાઓ અને લાભો પૂરા પાડવા માટે માંગવામાં આવ્યા છે. મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રાયની ડિવિઝન બેન્ચ ગત સપ્તાહે કચ્છ જિલ્લાના કામદારોના હેતુ અને ફરિયાદોને સમર્થન આપતા એક નોંધાયેલ ટ્રેડ યુનિયન દ્વારા દાખલ કરાયેલ PIL ઉપર સુનાવણી કરી રહી હતી. અરજીમાં કરાયેલી દલીલો અને માંગણીઓની નોંધ લીધા બાદ, ખંડપીઠે પોતાના આદેશમાં નિર્દેશ આપ્યો હતો કે ‘તમામ રિસ્પોન્ડન્ટ્સને વિગતવાર પેરાવાઇઝ જવાબ આપીને અલગ-અલગ સોગંદનામા દાખલ કરવાનો નિર્દેશ આપવામાં આવે છે. (ESI) કોર્પોરેશન, રાજ્ય સરકાર અને યુનિયન ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત રાજ્યમાં, જેમાં કચ્છ જિલ્લાનો પણ સમાવેશ થાય છે, (ESI) એક્ટના દાયરાને વિસ્તારવાની દિશામાં કરવામાં આવેલા પ્રયાસોને તે સોગંદનામામાં રેકોર્ડ ઉપર મૂકવાનો રહેશે.’ અરજદારના વકીલે દલીલ કરી હતી કે સમય જતાં જિલ્લામાં વિવિધ ક્ષેત્રોના ઘણા મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગો, બહુરાષ્ટ્રીય કંપનીઓ (MNCs) અને ભારતીય કંપનીઓએ તેમની કામગીરી શરૂ કરી છે. કચ્છમાં ખનીજાે, પોર્ટ આધારિત ઉદ્યોગો, મરીન, કેમિકલ એન્જિનિયરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ, સિરામિક્સ અને ટેક્સટાઇલ જેવા ઘણા ક્ષેત્રોમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ઝડપથી વધી છે. જિલ્લામાં ત્રણ મુખ્ય બંદરો છે, ભારે કાર્ગો હેરફેર થાય છે, શિપ બિલ્ડિંગનું કામ અને એશિયાનો સૌથી મોટો લાકડા રૂપાંતરણ ઝોન છે, જે ગંભીર જાેખમો માટે સંવેદનશીલ છે. કચ્છ જિલ્લા દ્વારા દેશના ૬૦% મીઠાનું ઉત્પાદન થાય છે, અને અહીંના કામદારો ગરમીનો તણાવ ચામડી અને આંખના ચેપ તેમજ શ્વસન સંબંધી સમસ્યાઓ જેવા જાેખમો ભોગવે છે. ચૂનાના પત્થર, બોક્સાઇટ વગેરેના મોટા ખનન અનામતોને કારણે ઘણા ખનીજ આધારિત ઉદ્યોગો આકર્ષાયા છે. ખનન અને ખનીજ પ્રક્રિયાની પ્રવૃત્તિઓ પણ ગંભીર જાેખમો અને વ્યવસાયિક રોગો સાથે સંકળાયેલી છે. ખાદ્ય તેલ રિફાઇનરી, પાવર પ્લાન્ટ્સ, ડિસેલિનેશન પ્લાન્ટ, કેપ્ટિવ જેટી વગેરેમાં ઔદ્યોગિક જૂથો કાર્યરત છે અને કચ્છમાં ઓછામાં ઓછા ૩૦૦૦ નાના પાયાના ઉદ્યોગો કાર્યરત છે. રાસાયણિક ઉદ્યોગોમાં કામ કરતા કામદારો સતત રાસાયણિક આગના સંપર્કમાં રહે છે. (ESI) યોજના ગુજરાતમાં ૧૯૬૪માં રજૂ કરવામાં આવી હતી અને પ્રથમ તબક્કામાં અમદાવાદને લાગુ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં માત્ર ત્રણ જિલ્લાઓ વડોદરા, ગાંધીનગર અને વલસાડ સંપૂર્ણપણે સૂચિત છે, જ્યારે ૧૬ જિલ્લાઓ આંશિક રીતે સૂચિત છે અને કચ્છ સહિત૧૪ જિલ્લાઓ હજુ સુધી સૂચિત નથી. (ESI) એક્ટની કલમ ૧(૩) હેઠળ, કેન્દ્રને નિયુક્ત વિસ્તારોમાં એક્ટના અમલને વિસ્તારવાની સત્તા છે, ત્યારબાદ રાજ્ય સરકારને તે વિસ્તારોમાં નિયુક્ત સંસ્થાઓ સુધી એક્ટને વિસ્તારવાની સત્તા મળે છે. અરજદારે દલીલ કરી હતી કે (ESI) કોર્પોરેશનની પ્રાદેશિક કચેરીએ અત્યાર સુધીમાં કચ્છ જિલ્લાનો કોઈ સર્વે કર્યો નથી. PIL દ્વારા પ્રતિવાદીઓને નિર્દેશ આપવા માંગવામાં આવ્યો છે કે તેઓ એક્ટ હેઠળ આવરી લેવા માટે કચ્છ જિલ્લાની પ્રાદેશિક સીમાઓને સૂચિત કરે, જેથી જિલ્લાની વિવિધ ફેક્ટરીઓમાં કામ કરતા મજૂરોને લાભ મળી શકે. આ મામલાની વધુ સુનાવણી ૧૨ ડિસેમ્બરના રોજ સૂચિબદ્ધ કરવામાં આવી છે.


