ગુજરાતના ત્રીજા ભાગના જીલ્લામાં વરસાદની પ૦ ટકાથી વધુ ખાદ્ય ૮૭ ટકા ઘટ સાથે દેવભૂમિ દ્વારકા જીલ્લો સમગ્ર દેશમાં બીજા ક્રમે
(બ્યુરો) અમદાવાદ, તા.૩૧
ચોમાસાનો ત્રીજો મહિનો અર્થાત ઓગસ્ટ આજે પૂર્ણ થઇ રહ્યો છે. અડધો શ્રાવણ પણ વીતી ગયો છે છતાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ નહીં થતાં ગુજરાતમાં ચિંતા-સંકટ વધુ ગંભીર બની ગયું છે. રાજ્યમાં ત્રીજા ભાગના જિલ્લાઓમાં વરસાદની ૫૦ ટકા કે તેથી વધુની ખાદ્ય છે. આવતા દિવસો-ટુંકાગાળામાં ફરી વરસાદ નહીં આવે તો ચિંતા વધુ ઘેરી બની શકે છે.
ભારતમાં ચોમાસુ સિઝન જુનથી સપ્ટેમ્બર ચાર મહિનાની હોય છે. હવે ચોમાસાનો માત્ર એક જ મહિનો બાકી રહ્યો છે. સપ્ટેમ્બરના પ્રથમ પખવાડિયાથી જ ચોમાસુ તબકકાવાર પાછુ ખેંચવાનું શરૂ થઇ જતું હોય છે તે પૂર્વે હવે સંક્ટ વધુ ઘેરાવા લાગ્યું છે. ગુજરાતના ૩૪માંથી ૧૧ જિલ્લાઓમાં વરસાદની ખાદ્ય ૫૦ ટકા કે તેથી વધુ છે. વધુ ચિંતાજનક બાબત એ છે કે તેમાં સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લા વધુ છે.
સૌથી વધુ ૮૭ ટકા વરસાદી ખાદ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લો નંબર-વન પર છે. માત્ર ગુજરાત જ નહીં, સમગ્ર ભારતમાં સૌથી મોટી ખાદ્ય ધરાવતા જિલ્લાઓમાંનો એક છે. અરૂણાચલ પ્રદેશનો અન્યો જિલ્લો ૫૯ ટકાની ખાદ્ય સાથે ટોચ પર છે. દેવભૂમિ દ્વારકા જિલ્લો બીજા ક્રમે છે.


