ગુજરાતમાં ગંભીર વીજ સંકટ સર્જાવાની સ્થિતિ : કેન્દ્રની મદદ લેવાઈ

કોલસાની ભારે અછત ઉપરાંત જળ વીદ્યુત ઉત્પાદન અને પવન ઉર્જામાં પણ તિવ્ર ઘટાડો થતાં વીજ ઉત્પાદન ઘટયું : હાલમાં ઉનાળા જેવી ગરમીને કારણે વીજ વપરાશ રેકોર્ડ ઉંચા સ્તરે પહોંચ્યો

ગુજરાતમાં ગંભીર વીજ સંકટ સર્જાવાની સ્થિતિ : કેન્દ્રની મદદ લેવાઈ

(બ્યુરો)     ગાંધીનગર તા.૧૯
ગુજરાતમાં ઉનાળા જેવી ગરમી વચ્ચે વિજ વપરાશ રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે. ઔદ્યોગીક જયોતિગ્રામ જેવા ક્ષેત્રોમાં ફરજીયાત વિજ કાપ સાથે કેન્દ્ર પાસેથી પણ વધારાની વિજળી માંગવામાં આવી છે. જયારે વિજસંકટ માત્ર ગુજરાતમાં જ નહિં પરંતુ દેશના ૧૨ રાજયોમાં હોવાનું પણ બહાર આવેલ છે. કેન્દ્રમાં વધારાની વિજળી ન મળે તો દિવાળીનાં તહેવારો પર સંકટ ગંભીર બની શકે છે.
કેન્દ્રીય ઉર્જા મંત્રાલયનાં સુત્રોએ કહ્યું કે ગુજરાતે સેન્ટ્રલ ગ્રીડમાંથી વધારાની ૧૦૨૦ મેગાવોટ વિજળીની માંગ કરી છે.ઉપરાંત મહારાષ્ટ્ર, તામીલનાડુ, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઉતર પ્રદેશ, છતીસગઢ, દિલ્હી જેવા ૧૨ જેટલા રાજયોએ કેન્દ્ર પાસેથી વધારાની વિજળી માંગી છે પંજાબમાં તો સપ્ટેમ્બર મહિનાથી વિજ સમસ્યા છે. વિજ સંકટ માટે અનેક કારણોને જવાબદાર ગણાવવામાં આવી રહ્યા છે. હાઈડ્રોપાવર ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. કેટલાંક પ્લાંટમાં મેઈનટેન્શનના કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો છે. વરસાદી ખાધને કારણે પાણીમાંથી ઉત્પન્ન થતી વિજ ઉત્પાદન ઘટયુ છે. અન્ય એક કારણ કોલસાની તિવ્ર તંગી છે.
ગુજરાતમાં વીજ સંકટ ઘેરું બનવા પાછળનું મુખ્ય કારણ પવન આધારિત (વિન્ડ પાવર) ઉત્પાદનમાં આવેલો ઘટાડો છે. તાજેતરમાં પવન ઉર્જાના ઉત્પાદનમાં અચાનક ૫,૦૦૦ મેગાવોટનો ધરખમ ઘટાડો નોંધાયો છે, જેના કારણે સ્ટેટ ગ્રીડ પર ભારણ વધ્યું છે. વિન્ડપાવર પર ર્નિભરતા ધરાવતા ક્ષેત્રોમાં વીજકાપ અને વોલ્ટેજની સમસ્યા ઉભી થવાની ભીતિ સેવાઈ રહી છે, જેને પહોંચી વળવા થર્મલ પાવર પ્લાન્ટ્સ પર ર્નિભરતા વધારવી અનિવાર્ય બની છે.