ગુજરાત દેશનું નં.1નિકાસકાર-મહારાષ્ટ્રનો બીજાે ક્રમ

ગુજરાત દેશનું નં.1નિકાસકાર-મહારાષ્ટ્રનો બીજાે ક્રમ

નવી દિલ્હી,તા.5:
ગુજરાતને ભારતનું ગ્રોથ એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. વૈશ્વિક પડકારો છતાં ગુજરાતે 2025-26માં ભારતના ટોચના નિકાસકાર તરીકેનો તાજ જાળવી રાખ્યો હતો. દેશના કુલ વિદેશી વેપારમાં ગુજરાતનો હિસ્સો ૨૫ ટકા કરતાં પણ વધુ રહ્યો છે. મહારાષ્ટ્ર બીજા ક્રમે રહ્યું છે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, ગુજરાતે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 110.63 અબજ ડોલરની નિકાસ નોંધાવી હતી, જે ભારતના કુલ નિકાસના 25.6% હિસ્સો છે. રાજ્ય આ યાદીમાં બીજા ક્રમે રહેલા મહારાષ્ટ્ર કરતાં ઘણું આગળ રહ્યું હતું.. મહારાષ્ટ્ર 70 અબજ ડોલરની નિકાસ અને રાષ્ટ્રીય નિકાસમાં 16.2% હિસ્સા સાથે બીજા ક્રમે રહ્યું હતું.
ગુજરાતે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હોવા છતાં, 2024-25ની સરખામણીમાં ર્વાષિક ધોરણે નિકાસમાં 4.9%નો ઘટાડો નોંધાયો છે. સૂત્રોએ આ ઘટાડા માટે મુખ્યત્વે અગ્રણી આંતરરાષ્ટ્રીય બજારોમાં ટેરિફ સંબંધિત પડકારો અને મુખ્ય નિકાસ કોમોડિટીઝના નરમ ભાવોને જવાબદાર ગણાવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો અને નેચરલ ડાયમંડના ભાવમાં નરમાઈના કારણે ગુજરાતમાંથી નિકાસ પર અસર થઈ છે.