ગિરનાર ઉપર સીઝનનું સૌથી ઓછું ર.પ ડીગ્રી તાપમાન નોંધાયું : સોરઠમાં કાતિલ શીતલહેર
(ડેસ્ક) જુનાગઢ તા.૧પ:
આજે સવારે જુનાગઢ સહિત સોરઠમાં એક સાથે ૪ ડિગ્રી તાપમાન થઈ જતાં વધતા જનજીવનને ભારે અસર થઈ હતી. ગિરનાર પર્વત ઉપર સવારનું તાપમાન ૨.૫ ડિગ્રી નોંધાતા સમગ્ર પર્વત વિસ્તાર માં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. ગઈકાલે ઉતરાયણના દિવસે સવારે ગિરનાર પર્વત ઉપર ૬.૪ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયા બાદ આજે સવારે પારો ૩.૯ ડિગ્રી નીચે ઉતરીને ૨.૫ ડિગ્રીએ સ્થિર થતા ગિરનાર પર્વત ટાઢો બોળ થઈ ગયો હતો અને ગિરનારની યાત્રાએ આવેલા યાત્રિકો સહિતના લોકોને હાડ થીજવતી ઠંડીનો સામનો કરવો પડ્યો હતો. ગિરનાર પર આજની કાતિલ ઠંડીના કારણે પર્વત પર પાણી બરફ જેવું થઈ ગયું હતું. ગિરનારની સાથે સાથે જુનાગઢમાં પણ લઘુતમ તાપમાનનો પારો ૩.૯ ડિગ્રી નીચે આવીને ૭.૫ ડિગ્રીએ સ્થિર થયો હતો.


