જૂનાગઢમાં કરોડોનાં ખર્ચે નવો ટાઉનહોલ બનાવવા શાસકોનાં તખલધી નિર્ણયનો જબ્બર વિરોધ
જુના ટાઉનહોલનાં રીપેરીંગ પાછળ રૂા. ૬ કરોડનું આંધણ કરવા છતાં અલીગઢી તાળા : શાસકોની કોકને ફાયદો કરાવવાની નિતી સામે વિપક્ષનાં ગંભીર આક્ષેપો
જૂનાગઢ તા. ૧૯
જૂનાગઢ શહેરમાં મનપાનાં શાસકો દ્વારા નવો ટાઉનહોલ બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા અને પ્રાથમિક વિધી પૂર્ણ કરી નાખી અને કમિશ્નર દ્વારા મંજુરી મળ્યા બાદ વર્ક ઓર્ડર આપવાની અને અંદાજીત રૂા. ૬૦ કરોડનાં ખર્ચે ટાઉનહોલનાં નિર્માણની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે ત્યારે તેની સામે ભારે વિરોધનો વંટોળ ઉઠવા પામ્યો છે. જૂનાગઢનાં જાગૃત નાગરિકો, કલાકારો અને આમ જનતાનું કહેવું છે કે જુના ટાઉનહોલને નજીવા ખર્ચે રીપેરીંગ કરી અને તેને કામ ચલાઉ ધોરણે તાત્કાલીક કાર્યરત કરવાની માંગણી ઉઠી છે. તો બીજી તરફ શાસકો પોતાની મનમાની કરી અને નવો ટાઉનહોલ બનાવવાની જીદે ચડયા છે. જયારે વિપક્ષ દ્વારા મનપાનાં શાસકોની નિતી રીતિ સામે આક્ષેપો કરવામાં આવ્યા છે. અને હાલ ટાઉનહોલનો વિવાદ ભારે ચર્ચાસ્પદ બનેલ છે.
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ શહેરમાં સરદાર પટેલ ચોક ખાતે ઐતિહાસીક શામળદાસ ગાંધી ટાઉનહોલ આવેલો છે. આ ટાઉનહોલનાં રીપેરીંગ માટે અંદાજીત રૂા. પ કરોડ વાપરવામાં આવ્યા છે. તેમજ ગયા વર્ષે જ રૂા. ૧ કરોડનાં એસી વસાવવામાં આવ્યા હોવા છતાં આ ટાઉનહોલને કોઈ કારણસર બંધ કરી દેવામાં આવેલ છે. અને છેલ્લા બે વર્ષથી કોઈ કાર્યક્રમ માટે ભાડે આપી શકાતો નથી. રૂા. ૬ કરોડનો ખર્ચ કરવા છતાં પણ ભાડાનાં પૈસા પણ ઉપજતા નથી. આ ટાઉનહોલને પુર્ન: શરૂ કરવાની માંગણી કલાકારો દ્વારા કરવામાં આવી છે. અને આવેદન પત્રો પણ અપાયા છે. સરકારને પણ રજુઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઈ જાતનો પ્રત્યુતર પ્રાપ્ત થયો નથી. આ દરમ્યાન મનપાની સ્ટેન્ડીંગ કમીટીએ નવો ટાઉનહોલ બનાવવાનું નકકી કરી નાખી અને અંદાજીત રૂા. ૬૦ કરોડનાં ખર્ચે નવો ટાઉનહોલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ ટાઉનહોલ અત્યંત આધુનિક તેમજ વિશાળ ટાઉનહોલ વીઆઈપી મીટીંગ માટે ડીઝીટલ સ્ક્રીન માટેનો રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ રૂમ, આધુનિક પ્રોજેકટ સીસ્ટમ સાથેનો હોલ અને કેફેટ એરીયા અને ફુડકોટ એરીયા તેમજ બહારનાં ભાગે વિશાળ પાર્કીંગ અને ગ્રીન સ્પેસ સાથેનું અદ્યતન ટાઉનહોલ બનાવવા નિર્ણય લેવામાં આવ્યો છે. તેની સામે વિરોધનો સૂર ઉઠયો છે. દરમ્યાન સ્ટેન્ડીંગ કમીટીનાં ચેરમેન પલ્લવીબેન ઠાકરે જણાવ્યું હતું કે શામળદાસ ટાઉનહોલ જર્જરીત થઈ ગયો છે અને સ્ટેબીલીટી રીપોર્ટ કઢાવ્યો તે એકદમ નેગેટીવ આવ્યો છે. જેથી નવો ટાઉનહોલ બનાવવો જરૂરી છે. અને કલાકારોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વૈકલ્પીક વ્યવસ્થા તરીકે નરસિંહ સરોવર પાસે એમ્ફી થીયેટર બનાવ્યું છે તેનો ઉપયોગ કરી શકે છે. બીજી તરફ ગઈકાલે જાગૃત નાગરીકો અને કલાકારોએ જુના ટાઉનહોલને રીપેરીંગ કરી અને સેવામાં મુકવા આવેદનપત્ર પાઠવેલ છે. તેઓએ એમ પણ રજુઆત કરી છે કે ર૦૦ વર્ષ જુની ઈમારતોનું રીનોવેશન થઈ શકે તો પછી ૪૦ વર્ષ જુના શામળદાસ ગાંધી ટાઉનહોલનું શા માટે રીનોવેશન ન થઈ શકે તેવો સવાલ ઉઠાવ્યો છે. આ તકે વિરોધ પક્ષનાં નેતા લલીત પણસારાએ શાસક પક્ષનાં તખલધી નિર્ણયનો ભારે વિરોધ દર્શાવતા જણાવેલ છે કે રૂા. ૬૦ કરોડમાં ૬ નવા ટાઉનહોલ બની શકે તેમ છે. જૂનાગઢ મનપાનાં શાસકો પ્રાથમિક સુવિધાનાં પ્રશ્નો ઉકેલતા નથી. રસ્તા, ડમ્પીંગ સાઈટ, ભુગર્ભ ગટર સહીતનાં અનેક પ્રશ્નો અણઉકેલ છે. અને મોટે ઉપાડે રૂા. ૬૦ કરોડનાં ખર્ચે નવો ટાઉનહોલ બનાવવા નીકળ્યા છે. આ ટાઉનહોલ બની ગયા બાદ તેનો મેન્ટેનેશ ખર્ચ ખુબ આવે તેમ છે. તેમજ તેનુ ભાડુ પણ ખુબ જ વધુ હોવાની શકયતા વ્યકત કરી છે. અને સામાન્ય વ્યકિત આ અદ્યતન ટાઉનહોલ ભાડે લઈ શકે તેવી સ્થિતિ જ ન રહે. આ તો જૂનાગઢમાં ફકત અને ફકત વીઆઈપીઓની સગવડતા સાચવવા આ નવા ટાઉનહોલ બનાવવાનું ભૂત શાસકોએ હાથ ધર્યુ છે તેવો ગંભીર આક્ષેપ કર્યો હતો. જૂનાગઢ શહેરમાં હાલ નવા ટાઉનહોલનાં વિવાદનું રાજકારણ જાેરશોરથી શરૂ થયું છે. અને તે તરફ સંબંધીત તમામની મીટ મંડાયેલી છે.








