જૂનાગઢમાં યુવા નેતૃત્વની નવી પાઠશાળા, MY Bharatના Future Youth Leaders Bootcampનો પ્રારંભ
3 દિવસ સુધી યુવાનોને નેતૃત્વ, AI, ડિજિટલ-નાણાકીય સાક્ષરતા અને ગવર્નન્સ અંગે મળશે નિષ્ણાત માર્ગદર્શન
જૂનાગઢ, તા. 10
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ કાર્યરત મેરા યુવા ભારત (MY Bharat) દ્વારા જૂનાગઢના ગાંધીગ્રામ સ્થિત સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ત્રણ દિવસીય Future Youth Leaders Bootcampનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તા. 10થી 12 ઓગસ્ટ દરમિયાન યોજાનારા આ બૂટકેમ્પનો હેતુ યુવાનોમાં નેતૃત્વ ક્ષમતા સાથે વ્યક્તિત્વ વિકાસ, ડિજિટલ અને નાણાકીય સાક્ષરતા તેમજ રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની જવાબદારીની ભાવના વિકસાવવાનો છે. કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે જૂનાગઢના નિવાસી અધિક કલેક્ટર બી.એસ. બારડ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યુવાનોને હકારાત્મક વિચારસરણી અપનાવી પોતાની નેતૃત્વ ક્ષમતાને વધુ મજબૂત બનાવવા અને વિકસિત ભારત @2047ના નિર્માણમાં સક્રિય ભાગીદાર બનવા માટે પ્રેરણા આપી હતી. આ પ્રસંગે જિલ્લા યુવા અધિકારી મયંક ભદૌરિયાએ MY Bharat દ્વારા યુવાનો માટે હાથ ધરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે માહિતી આપવાની સાથે બૂટકેમ્પના આયોજન અને તેના હેતુ વિશે પણ માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત યુવાનોને ‘નશા મુક્ત ભારત’ની શપથ લેવડાવવામાં આવી હતી. સાથે જ સ્વચ્છતા પખવાડિયા અને ‘હર ઘર તિરંગા’ અભિયાનનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો. બૂટકેમ્પના પ્રથમ દિવસે યુવાનો માટે વિવિધ ઉપયોગી અને વ્યવહારુ વિષયો પર નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં નેતૃત્વ અને Emotional Intelligence, Governance અને District Transformation, Financial Literacy, Computer અને Internet તથા Artificial Intelligence જેવા વિષયોનો સમાવેશ થાય છે. માત્ર વ્યાખ્યાન પૂરતું આયોજન ન રાખતા યુવાનોની સક્રિય ભાગીદારી વધે તે માટે ધ્યાન સત્ર, આઈસ-બ્રેકર એક્ટિવિટી અને પ્રશ્નોત્તરી સહિતની પ્રવૃત્તિઓ પણ યોજવામાં આવી હતી. આ ત્રણ દિવસ દરમિયાન યુવાનોને વ્યક્તિગત વિકાસ સાથે સામાજિક જવાબદારી અને રાષ્ટ્રના વિકાસમાં તેમની ભૂમિકા અંગે પણ માહિતગાર કરવામાં આવી રહ્યા છે. કાર્યક્રમમાં જિલ્લા રમત વિકાસ અધિકારી ભૂષણ યાદવ, MY Bharat પસંદગી સમિતિના સભ્યો તેમજ વિવિધ યુવા પ્રતિભાગીઓ ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢમાં યોજાયેલ આ બૂટકેમ્પ યુવાનોને નવી કુશળતાઓ શીખવાની સાથે ભવિષ્યમાં જવાબદાર અને સક્ષમ યુવા નેતા તરીકે વિકસવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડશે.


