જૂનાગઢમાં રાજ્યના વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની શ્રમદાન કર્યું
રાજ્યમંત્રીશ્રીની સાથે જૂનાગઢના પદાધિકારીઓ અને મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓ પણ જાેડાયા
જૂનાગઢ તા.૧
રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા પરિવહન રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ ૨ ઑક્ટોબર, મહાત્મા ગાંધીજીની જન્મજયંતીના અવસરે અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જૂનાગઢના કાળવા ચોક ખાતેની કડિયાવાડ બજારમાં સફાઈ ઝુંબેશમાં જાેડાઈને સ્વચ્છતા માટે શ્રમદાન કર્યું હતું.
રાજ્યમંત્રીશ્રીએ સફાઈ અભિયાનમાં સહભાગી થવાની સાથે સફાઈ કર્મચારીઓ અને કડિયાવાડ બજારના લારીધારકો સાથે સરળ અને સહજ ભાવે સંવાદ સાધ્યો હતો. તેમણે સફાઈ કર્મચારીઓને આરોગ્ય માટે જરૂરી તકેદારી રાખવા પણ સૂચના આપી હતી. ઉપરાંત, લારીધારકો સાથે સહજ ભાવે વાતચીત કરતાં વધુ સારી સ્વચ્છતા જળવાય તે માટે સહિયારો પ્રયાસ કરવા પર ભાર મૂક્યો હતો. સાથે જ, તેમણે અહીંના શાકભાજીના નાના વેપારીઓને પ્રોત્સાહિત કરતાં તેમની પાસેથી પ્રતીકાત્મક રીતે ખરીદી પણ કરી હતી.
રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દેશભરની સાથે સાથે જૂનાગઢમાં પણ સફાઈ ઝુંબેશ યોજાઈ રહી છે. મહાત્મા ગાંધીજીએ સ્વચ્છતા માટેની જે ચળવળ શરૂ કરી હતી, તેને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આગળ વધારી દેશ અને નગરને સ્વચ્છ બનાવવાનું આહ્વાન કર્યું છે. આ માટે સ્વચ્છતાનો આગ્રહ રોજિંદા જીવનનો ભાગ બનવો જરૂરી છે. તેમણે આધ્યાત્મિક ધરોહર ધરાવતા જૂનાગઢ શહેરમાં આવવાનું પોતાનું સૌભાગ્ય પણ માન્યું હતું.
રાજ્યમંત્રીશ્રીની સાથે આ સફાઈ ઝુંબેશમાં ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા, ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન શ્રીમતી પલ્લવીબેન ઠાકર, શહેર ભાજપ પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલીયા, દંડક શ્રી કલ્પેશ અજવાણી, મનપાના કમિશ્નર આઈ. આર. વાળા, ડેપ્યુટી કમિશ્નર કે. સી. વાઘેલા, સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ, વિનુભાઈ ચાંડીગરા, મિલનભાઈ ભટ્ટ, ચાવડા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ જાેડાયા હતા.


