જૂનાગઢમાં સફાઈ કર્મચારીઓની અચોકકસ મુદતની હડતાલ બીજા દિવસમાં પ્રવેશી
સ્વૈચ્છીક નિવૃતી, કાયમી કર્મચારીનાં વારસદારોને નોકરી, ફિકસ પગારદારોને કાયમી કરવા, કોન્ટ્રાકટ કર્મચારીઓ તથા સખી મંડળનાં કર્મચારીઓને ફિકસ કરવા અને કોન્ટ્રાકટ પ્રથા નાબુદ કરવા સહીતના પ્રશ્ને આંદોલન
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા. ૧૧
જૂનાગઢમાં સફાઈ કર્મચારીઓનાં વિવિધ પ્રશ્નોનો ઉકેલ નહી આવતા અગાઉથી જાહેરાત કરી હતી તે મુજબ અચોકકસ મુદતની હડતાલનો ગઈકાલથી પ્રારંભ થયો છે અને આજે હડતાલનો બીજાે દિવસ છે. આજે પણ સફાઈ કર્મચારીઓ દ્વારા પોતનાની વિવિધ માંગણીઓ સબબ આંદોલન ચાલી રહયું છે. ધરણા, સુત્રોચ્ચાર, ડમ્પીંગ સાઈટને ઘેરાવ સહીતનાં કાર્યક્રમો આપવાનું નકકી કરાયું છે. અને મનપા તંત્રને પણ અલ્ટીમેટમ આપેલું છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢમાં મનપાના સફાઈ કામદાર કર્મચારી યુનિયન સ્વૈચ્છીક નિવૃતિ, કાયમી કર્મચારીનાં વારસદારોને નોકરી, ફિકસ પગારદારોને કાયમી કરવા, કોન્ટ્રાકટ કર્મચારીઓ તથા સખી મંડળોને ફિકસ કરવા કોન્ટ્રાકટ પ્રથા નાબુદ કરવી, પેન્શન આપવા સહીતના વિવિધ પ્રશ્નો અંગે હડતાલ ચલાવી રહયું છે. ગઈકાલે ર૦૦થી વધુ સફાઈ કર્મચારીઓએ મનપા પટાંગણમાં ધરણા યોજી રામધુન અને ‘કર્મચારી એકતા જીંદાબાદ, હમારી માંગે પુરી કરો’ના સુત્રોચ્ચાર કર્યા હતાં. યુનિયન દ્વારા કમિશ્નરને અચોકકસ મુદત સુધી હડતાળ અંગે આવેદન પાઠવ્યું હતું. વાલ્મીકી સમાજના પ્રમુખ દિનેશભાઈ ચુડાસમા તથા સફાઈ કામદાર કર્મચારી યુનિયનના પ્રમુખ વિજયભાઈ વાળાએ રોષ ઠાલવતા કહયું હતું કે, સફાઈ કામદારોને પુરતો પગાર અપાતો નથી, સ્વચ્છતા ક્રમાંક વખતે કર્મચારીઓનાં સન્માન કર્યા પરંતુ પુરસ્કારના રૂા. ૧૦ હજાર અપાયા નથી, સખી મંડળની બહેનોના બે માસ સુધી પગાર પણ થતા નથી. ડોર ટુ ડોર કોન્ટ્રાકટ આપ્યો તેમાં અગાઉ રપ લાખના બિલ બનતા હતા પરંતુ હવે તે એક કરોડથી પણ વધુ થતા હોવાના આક્ષેપ કર્યા હતા. તાજેતરમાં સેનીટેશન શાખામાં ર૦૦ કર્મચારીઓને કાયમી કર્યા પરંતુ સફાઈ કામદારોને અન્યાય કરવામાં આવે છે તેમ કહી હૈયા વરાળ ઠાલવી કર્મચારીઓના પ્રશ્નો નિકાલ લાવવા ખાસ સ્ટેન્ડીંગ કે જનરલ બોર્ડ બોલાવી નિર્ણય કરવા માંગ કરી હતી. બાદમાં સફાઈ કર્મચારીઓએ ડમ્પીંગ સાઈટ પર પહોંચી કોન્ટ્રાકટર સામે વ્યથા ઠાલવી હતી. ગોધાવાવની પાટીમાં આવેલ સમાજની વાડીમાં ધરણા પર બેઠા હતાં. અને આજે સવારે બહાઉદીન કોલેજ પાસે આવેલ ડમ્પીંગ સાઈટને ઘેરાવ કરવામાં આવ્યો હતો. સફાઈ કર્મચારીઓનાં પડતર પ્રશ્નો ન ઉકેલાતા અચોકકસ મુદતની હડતાલનો આજે બીજાે દિવસ છે. અને જયાં સુધી પડતર પ્રશ્નોનો ઉકેલ નહી આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવામાં આવશે તેવા નિર્દેશો મળે છે.


