જૂનાગઢમાં 100 શિબિરાર્થીઓએ એડવેન્ચર કોર્સના તાલીમ મેળવી : પ્રમાણપત્રો એનાયત કરાયા
જૂનાગઢ તા.15
જૂનાગઢ ખાતેના પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્રમાં રાજ્યભરના 13 જિલ્લાના 100 જેટલા શિબિરાર્થીઓએ પર્વતારોહણની 7 દિવસીય એડવેન્ચર કોર્સની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરતા પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પૂર્ણાહુતી સમારોહમાં નાયબ પોલીસ અધિક્ષક શિવરાજસિહ ગોહિલ, આસિસ્ટન્ટ લેવલ કમિશનર આર. એસ બ્રહ્મભટ્ટ, મદદનીશ વન સંરક્ષક કપિલ ભાટિયા, પ્રાંત યુવા વિકાસ અધિકારી અમરેલી અશરફ કુરેશી, અને LIC જૂનાગઢના જીતેન્દ્રસિંહ ગોહિલ હસ્તે પ્રમાણપત્રો એનાયત કરી તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક શિવરાજસિહ ગોહિલે જણાવ્યું હતું કે, આ પ્રકારની તાલીમથી આંતરિક વિકાસ શક્ય બને છે.
બાળકોના વાલીઓએ અચૂક પણે તાલીમમાં મોકલવા જોઈએ. જેથી તેમાં માનસિક પ્રેશર સહન કરવાની શક્તિ વિકસે, જે તેમને કોઈ પણ ક્ષેત્રમાં ઉપયોગી થઈ પડે છે. લેબર કમિશનર આર. એસ. બ્રહ્મભટ્ટ જણાવ્યું કે, આ પ્રકારના કેમ્પથી બાળકોને તેમના આસપાસની પ્રકૃતિમાંથી ઘણી વસ્તુ શીખવા મળે છે. સાથે જ બાળકોમાં રહેલી ઇનર સ્કીલ આ પ્રકારના કેમ્પમાં જ ખીલે છે. કપિલ ભાટીયાએ કહ્યું કે, માતા પિતા વગર સાત દિવસ એકલું રહેવું મુશ્કેલ તો હોય છે. પણ આ પ્રકારના કેમ્પના આયોજનથી બાળકોમાં નીડરતા તથા આત્મવિશ્વાસના ગુણો ખીલે છે.
કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત તથા શિબિર અંગેની માહિતી ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ એમ. રાઠોડે આપી હતી અને આભારવિધિ માનદ ઇન્સ્ટ્રક્ટર મિલન વાગડિયાએ કરી હતી.
કાર્યક્રમનું સંચાલન માનદ ઇન્સ્ટ્રક્ટર અમીષા સોલંકી, કાજલ મહાલાએ કર્યું હતું. તાલીમાર્થી નીલાક્ષ જાળેલા, મનસ્વી કંસારા તથા તત્વમસી બ્રહ્મભટ્ટએ તાલીમના યાદગાર અનુભવો વર્ણવ્યા હતાં.
આ તાલીમ દરમિયાન અંબર વિષ્ણુ, પ્રદીપકુમાર, મિલન વાગડિયા, અમીષા સોલંકી, અનિરુદ્ધસિહ સોઢા, ખુશાલી સુરાણી, પંકજ કટારે, કાજલ મહલા, નયના મુલાની અને નિકિતા ચૌધરીએ પર્વતારોહણના ગુણો શિબિરાર્થીઓને શીખવ્યા હતા.
રાજય સરકારના રમત - ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજન અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર દ્વારા સંચાલન કરવામાં આવે છે.



