જૂનાગઢ જિલ્લામાં ‘વિશ્વ તમાકુ નિષેધ દિન’ની ભવ્ય ઉજવણી: વર્ષ દરમિયાન 1371 શૈક્ષણિક સંસ્થાઓમાં જાગૃતિ કાર્યક્રમો યોજાયા
જૂનાગઢ જિલ્લામાં તમાકુ નિયંત્રણ ધારા હેઠળ કડક કાર્યવાહી: વર્ષ 2025-26 દરમિયાન કુલ રૂા. 3.27 લાખથી વધુનો દંડ વસૂલાયો
જૂનાગઢ,તા.30
દર વર્ષની જેમ આ વર્ષે પણ 31 મેના રોજ ‘વિશ્વ તમાકુ નિષેધ દિન’ ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે આ દિવસ "Unmasking the Appeal: Countering Nicotine and Tobacco Addiction" ની વિશેષ થીમ આધારિત ઉજવવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ, જિલ્લા પંચાયત, જૂનાગઢ દ્વારા વર્ષ 2025-2026 દરમિયાન જિલ્લામાં તમાકુના દૂષણને ડામવા અને જનજાગૃતિ લાવવા માટે વ્યાપક સ્તરે કામગીરી કરવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લામાં જાહેર આરોગ્યની સુખાકારી અને તમાકુના દૂષણને અટકાવવા માટે વહીવટી તંત્ર દ્વારા તમાકુ નિયંત્રણ ધારા (COTPA) અન્વયે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત વર્ષ 2025-2026ના સમયગાળા દરમિયાન જિલ્લાના વિવિધ સરકારી વિભાગો અને કચેરીઓ દ્વારા નિયમોનો ભંગ કરનારાઓ સામે કુલ 6,894 કેસ નોંધીને રૂા. 3,27,900 ની માતબર દંડકીય રકમ વસૂલ કરવામાં આવી છે. તમાકુ મુક્ત વાતાવરણના નિર્માણ માટે જિલ્લાની જુદી જુદી ટુકડીઓ દ્વારા સતત સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરીને આ કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
જૂનાગઢ જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, આ ઝુંબેશ અંતર્ગત સૌથી વધુ કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે સમગ્ર વર્ષ દરમિયાન કુલ 5,169 કેસ નોંધી સૌથી વધુ રૂા. 2,60,780 નો દંડ વસૂલ્યો છે. આ ઉપરાંત વાહન વ્યવહાર વિભાગ (GSRTC) દ્વારા પણ એસ.ટી. બસ સ્ટેન્ડ અને બસોમાં ધૂમ્રપાન તથા તમાકુનું સેવન કરનારા તત્વો સામે કડક વલણ અપનાવી 1,486 કેસ કરીને રૂા. 32,280 ની દંડકીય વસૂલાત કરવામાં આવી છે. પોલીસ વિભાગ દ્વારા પણ કાયદો અને વ્યવસ્થાની જાળવણી સાથે તમાકુ નિયંત્રણ ધારા હેઠળ 125 કેસ નોંધી રૂા. 25,000 નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
(ફાઈલ તસ્વીર)
તમાકુ નિયંત્રણની આ સંયુક્ત ઝુંબેશમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 46 કેસ નોંધી રૂા. 1,280, જ્યારે જિલ્લા સ્ક્વોડ વિભાગ દ્વારા 38 કેસ નોંધી રૂા. 4,500 નો દંડ વસૂલ કરાયો છે. આ સાથે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પણ 27 કેસ નોંધી રૂા. 3,710 ની વસૂલાત કરવામાં આવી છે.આગામી સમયમાં પણ જૂનાગઢ જિલ્લાને તમાકુમુક્ત બનાવવા અને નાગરિકોના સ્વાસ્થ્યના રક્ષણ અર્થે આ પ્રકારની ઝુંબેશ વધુ વેગવંતી બનાવવામાં આવશે તેમ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
શૈક્ષણિક સંસ્થાઓમાં વ્યાપક જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી હતી. નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ (NTCP) અંતર્ગત જૂનાગઢ જિલ્લાના તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ આવેલી કુલ 1371 પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ અને કોલેજોમાં 'એન્ટી ટોબેકો સ્કૂલ અવેરનેસ' કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમો દરમિયાન વિદ્યાર્થીઓને તમાકુ અને તેની બનાવટોના સેવનથી થતા ગંભીર નુકસાન અંગે માહિતગાર કરી વ્યસન મુક્તિનું સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, જૂનાગઢ જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓને TOEFI (ટોબેકો ફ્રી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ) ના માપદંડો અંતર્ગત આવરી લેવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ આઇ.ઈ.સી. (IEC) પ્રવૃત્તિઓ અને વ્યસન મુક્તિ કેમ્પોનું સતત આયોજન કરવામાં આવે છે. સિવિલ હોસ્પિટલ, જૂનાગઢ ખાતે કાર્યરત TCC, NCD ક્લિનિક અને ATF સેન્ટરના કાઉન્સિલર્સ દ્વારા વર્ષ દરમિયાન કુલ 2205 લોકોને વ્યસન છોડવા માટેનું વિશેષ કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવ્યું છે.
– ક્રિષ્ના સીસોદિયા


