જૂનાગઢ રેન્જ પોલીસનો  સપાટો માખીયાળા ગામે ભાડે રાખેલા ગોડાઉન પર દરોડો : રૂા.૧૮.૮૫ લાખનો સરકારી અનાજનો જથ્થો ઝડપાયો

પોલીસે ૨૩,૦૦૦ કિલો ઘઉં અને ૧૭,૦૦૦ કિલો ચોખા સહિતનો જથ્થો જપ્ત કરી બે શખ્સોની અટકાયત 

જૂનાગઢ રેન્જ પોલીસનો  સપાટો માખીયાળા ગામે ભાડે રાખેલા ગોડાઉન પર દરોડો : રૂા.૧૮.૮૫ લાખનો સરકારી અનાજનો જથ્થો ઝડપાયો

જૂનાગઢ તા. ૧૬
જૂનાગઢ રેન્જ પોલીસે માખીયાળા ગામે ભાડે રાખેલા ગોડાઉનમાંથી રૂા. ૧૮.૮૫ લાખનો ગેરકાયદેસર સંગ્રહ કરેલો સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલામાં બે શખ્સ મહમદ જમાલ અને ઇરફાન કાળાવતરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ૨૩,૦૦૦ કિલો ઘઉં અને ૧૭,૦૦૦ કિલો ચોખા સહિતનો જથ્થો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરતાં ખળભળાટ મચ્યો છે. પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢ રેન્જ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે માખીયાળા ગામે એક ગોડાઉન પર ઓચિંતી રેડ પાડી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે સરકાર દ્વારા ગરીબો માટે ફાળવવામાં આવતા સસ્તા અનાજનો મોટો જથ્થો અહીં ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવ્યો હતો. પોલીસે આ સ્થળેથી લાખોની કિંમતનો બિનકાયદેસર જથ્થો ઝડપી પાડીને કૌભાંડીઓના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે
આ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા બિલખાના ગામના બે શખ્સોને પોલીસે દબોચી લીધા છે. દબોચાયેલા આરોપીઓમાં મહમદ જમાલ માલવીયા અને ઇરફાન સીતાર કાળાવતરનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ શખ્સોએ માખીયાળા ગામે ખાસ હેતુ માટે ગોડાઉન ભાડે રાખ્યું હતું, જ્યાં તેઓ સરકારી અનાજનો જથ્થો છુપાવીને તેના કાળાબજાર  વેચી રહ્યા હતા.
પોલીસ દરોડા દરમ્યાન કુલ ૧૮,૮૫,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં મુખ્યત્વે ઘઉં અને ચોખાના સરકારી અનાજનો સમાવેશ થાય છે. વિગતવાર જાેઈએ તો, ૨૩,૦૦૦ કિલોગ્રામ ઘઉંની  કિંમત અંદાજે ૪,૬૦,૦૦૦ રૂપિયા છે અને ૧૭,૦૦૦ કિલોગ્રામ ચોખા જેની કિંમત ૪,૨૫,૦૦૦ રૂપિયા થાય છે, તે તમામ જથ્થો પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે. આટલી મોટી માત્રામાં સરકારી અનાજનો જથ્થો આ શખ્સો પાસે ક્યાંથી આવ્યો અને આ કૌભાંડમાં અન્ય કેટલા લોકો સામેલ છે, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. સસ્તા અનાજની દુકાનોમાંથી આ જથ્થો ડાયવર્ટ કરવામાં આવ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. રેંજ પોલીસની આ સફળ કામગીરીથી અનાજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.