જૂનાગઢ સહીત રાજયભરમાં ચાઈનીઝ દોરી, પ્રતિબંધીત તુકલ જેવી જીવલેણ વસ્તુઓનું વેચાણ કરનારાઓ સામે કડક કાર્યવાહી થશે
ઉતરાયણ પુર્વે હાઈકોર્ટ દ્વારા ચાઈનીઝ દોરી અને પ્રતિબંધીત તુકલ જેવી જીવલેણ વસ્તુઓનું વેચાણ સંગ્રહ કે વપરાશ કરનારા વિરૂધ્ધ કડક કાર્યવાહીનો નિર્દેશ આપ્યો
જૂનાગઢ તા. ર૭
જૂનાગઢ સહીત સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતભરમાં આગામી મકરસંક્રાંતિ (ઉતરાણ પર્વ)ના આગમનને લઈને બજારોમાં પતંગ તેમજ પતંગ ચગાવવા માટેનાં રીલ દોરીનાં વેંચાણ શરૂ થયા છે. અને ઉતરાણ સુધીમાં તો શેરી ગલીઓમાં અને રોડ ઉપર પણ પતંગ અને દોરીનાં વેચાણનાં સ્ટોલો શરૂ થઈ જનાર છે. ઉતરાણ પર્વ પ્રસંગને લઈને પતંગ બનાવવાની કામગીરી કરનારા કારીગરોને પણ ભારે મોટી રોજી આ દિવસો દરમ્યાન મળે છે. દરમ્યાન પતંગ ઉડાવવા માટેનાં ચાઈનીઝ દોરી અને પ્રતિબંધીત તુકલ જેવી જીવલેણ વસ્તુઓનો વેંચાણ સંગ્રહ કે વપરાશ કરનાર સામે કડક પગલા ભરવા માટેનો આદેશ હાઈકોર્ટે કર્યો છે ત્યારે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પણ તેનું સઘન ચેકીંગ અને કાર્યવાહી કરવામાં આવશે તેવા નિર્દેશો મળી રહયા છે.
ઉતરાયણ (મકરસંક્રાંતિ)નું પર્વ ૧૪ જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. ઉતરાયણનાં આ પર્વે જૂનાગઢ સહીત રાજયનાં મોટા ભાગનાં શહેરોમાં પતંગોત્સવનાં કાર્યક્રમો યોજાતા હોય છે. લોકો સવારથી જ અગાશી અને ધાબા ઉપર ચડી જતાં હોય છે. અને દિવસ દરમ્યાન પતંગો ઉડાવવામાં આવે છે. ઉતરાયણ પર્વને ધ્યાને લઈ ખાસ પ્રકારની પતંગો, ફાનસ, તુકલ પણ બનાવવામાં આવતા હોય છે અને મોટાપાયે તેનું વેંચાણ થતું હોય છે. ઉતરાણનાં દિવસે પતંગ માટેનાં પેચ પણ લડાવવામાં આવતા હોય છે. ખાસ પ્રકારનાં માંજા દ્વારા દોરી પાવામાં આવે છે અને છેલ્લા કેટલાક વર્ષો થયા ચાઈનીઝ દોરીનો પણ મોટાપાયે ઉપયોગ થતો હોય છે. અને આ દરમ્યાન પતંગની દોરી રસ્તા ઉપર પડવાથી અથવા તો પતંગ ઉડાવતી વખતે સર્જાતા અકસ્માતમાં કોઈના જીવ પણ જતા હોવાનાં બનાવો બની રહયા છે. ત્યારે ખાસ કરીને ચાઈનીઝ દોરી અને તુકલ જેવી જીવલેણ વસ્તુઓનાં વેંચાણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવી રહયો છે.
દરમ્યાન ઉતરાયણ પર્વમાં વેપારીઓ દ્વારા પ્રતિબંધીત ચાઈનીઝ દોરી અને તુકલનું બેફામ વેંચાણ થતું હોય અને આ મુદે ગુજરાત હાઈકોર્ટે ખુબ જ આકરૂ વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે નાઈલોન અને ચાઈનીઝ માંજામાંથી બનેલા પ્રતિબંધીત પતંગ ઉડાવવાનાં દોરા ઉપર પ્રતિબંધ લાગુ કરવાનાં રાજયનાં પ્રયાસોની સમીક્ષા કરી હતી તેમજ હાઈકોર્ટ દ્વારા ચાઈનીઝ દોરી અને પ્રતિબંધીત તુકલ જેવી જીવલેણ વસ્તુઓનું વેંચાણ સંગ્રહ કે વપરાશ કરનાર સામે કડક પગલાનો નિર્દેશ આપ્યો છે જેને લઈને જૂનાગઢ સહીત રાજયભરમાં ઉતરાયણ પર્વ દરમ્યાન બજારોમાં વેચાતા ચાઈનીઝ દોરી અને પ્રતિબંધીત તુકલ જેવી વસ્તુઓનું વેચાણ કરનારાઓ સામે કડક પગલા ભરવામાં આવશે તેમ જાણવા મળે છે.


