જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરની બજારોમાં ‘તેજી’નો સંચાર

નવરાત્રીના પ્રારંભ સાથે દેવદીવાળી સુધી તહેવારોની મોસમ

જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરની બજારોમાં ‘તેજી’નો સંચાર

જૂનાગઢ તા. ૧ર
ગઈકાલે શક્તિની આરાધનાનાં પર્વ આસો નવરાત્રીનાં પ્રારંભ સાથે જ તહેવારોની મોસમ શરૂ થઈ છે.  અને છેક દેવદિવાળી સુધી તહેવારોની ઉજવણીનો ઉત્સાહ લોકોમાં જળવાઈ રહેશે અને જેને લઈને જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરની બજારોમાં તેજીનો સંચાર થયો છે. 
ભાદરવા માસ અને શ્રાધ્ધ પક્ષનું સમાપન અને સર્વે પિતૃ અમાસનાં શુક્રવારના દિવસે પિતૃઓનાં આશીર્વાદ અને તેમની શાંતિ માટેના પિતૃતર્પણ વિધી સહીતના કાર્યો દીવંગત સ્વજનોના પરિવારજનો દ્વારા ભાવપુર્વક કરવામાં આવ્યા હતા. શ્રાધ્ધ પક્ષનું સમાપન થયું હતું. જયારે રવિવારે આદ્યશક્તિ માં જગદંબાની આરાધના માટેનો તહેવાર એટલે કે નવરાત્રીનો ખુબજ ઉત્સાહભેર પ્રારંભ થયો છે. નવરાત્રીનાં પ્રારંભ સાથે જ  તહેવારોની મોસમ શરૂ થઈ છે. 
આ વર્ષે અપુરતો વરસાદ, મોંઘવારીનો માર સહીતનાં કારણે તેમજ ભાદરવો માસ અને શ્રાધ્ધ પક્ષના સમયગાળાનાં શુભ કાર્યોને બ્રેક લાગી હતી. દરમ્યાન રવિવારથી નવરાત્રીનો શુભારંભ થયો છે અને આ સાથેજ તહેવારોની મોસમ શરૂ થઈ છે જે છેક દેવદીવાળી સુધી ચાલુ રહેશે. આ વર્ષે દશ દિવસ સુધી નવરાત્રી ઉજવાઈ રહી છે. નવરાત્રીના આ દિવસોમાં માતાજીના પૂજાપાથી લઈ ફ્રુટ, ગરબા, શણગાર, સીરીઝો, વાજિંત્રો, મંડપ, ડેકોરેશન, વસ્ત્રો, કટલેરી સહીતની ચીજવસ્તુઓમાં ખરીદી રહે તેમજ ધુપ, અગરબત્તી, ફુલો, મીઠાઈની વસ્તુઓ તો ખરીજ તેમજ આઠમનાં હવન અને ત્યારબાદ વિજયા દશમી દશેરનાં પર્વમાં ખાસ કરીને જલેબી, ગાંઠીયા, ફાફડાની ખરીદી સાથે મીઠાઈ, ફરસાણની વિવિધ વેરાયટીઓની પણ ખરીદી રહે. આમ મીઠાઈ અને ફરસાણની બજારમાં તેજી રહે. ત્યારબાદ શરદ પુર્ણિમાની ઉજવણી પુર્ણ થયા બાદ દીવાળીનાં કામકાજ શરૂ થાય, નવરાત્રીની શરદ પુર્ણિમા સુધી મોડી રાત્રી સુધી લોકોની અવરજવર રહે અને જેનાં કારણે રાત્રીના ખાણીપીણીનાં ધંધાર્થીઓને સારો રોજગાર મળી શકે. શરદ પુર્ણિમા બાદ દીવાળીની તૈયારી જેમાં મકાન, દુકાનને શણગારવાથી લઈ રંગરોગાન કરવામાં આવે. એટલે કલરકામથી લઈ કડીયા કામ સુધીનું કામકાજ ચાલે. આ જ અરસામાં અગીયારસ, ધનતેરસ, કાળી ચૌદશ, દીવાળી, બેસતુ વર્ષ, ભાઈબીજ, લાભ પાંચમ, જલારામ જયંતિ અને દેવદીવાળી સહીતનાં તહેવારો ઉજવવામાં આવે. જેના કારણે  સતત દોઢ માસ જેવો સમય તહેવારોની ઉજવણીમાં રહે જેને કારણે તમામ બજારમાં તેજીનો દોર રહે અને વેપારીઓને સારા વેપારની આશા ફળીભુત થાય. દેવદીવાળીનાં પર્વે ભગવાનનાં વિવાહ યોજાઈ અને આ સાથેજ એકતરફ લગ્નગાળો શરૂ થાય તેમજ પરીક્રમાનો મેળો પણ યોજવામાં આવે, આમ તહેવારો શરૂ થતા જ લોકો પરંપરાગત રીતે દરેક તહેવારોને ઉત્સાહ પુર્વક ઉજવે, ઉપરાંત દેવદીવાળી બાદ લગ્નગાળો શરૂ થતાં તહેવારોની ઉજવણી પછી લગ્નની તૈયારીઓ શરૂ કરવામાં આવે. શુભ કાર્યો શરૂ કરવાનો સમય થતાજ વિવિધ શુભ કાર્યો થવા લાગે, વાહનની ખરીદી, મકાન, દુકાનનાં ઉદ્ઘાટન જેવા શુભ કાર્યો થવા લાગે, ગમે તેવી પરિસ્થિતી હોય કે મોંઘવારીનો માર હોવા છતાં તહેવારોની ઉજવણી સર્વત્ર આનંદ અને ઉત્સાહભેર થાય છે.