દીપોત્સવી પર્વ દ્વારકાધીશ મંદિરના દર્શનના સમયમાં ફેરફાર
(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.૩
આગામી દિવાળી, નૂતનવર્ષના તહેવારોને અનુલક્ષીને સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં શનિવારથી મંગળવાર સુધી વિવિધ પ્રકારના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. યાત્રાધામ દ્વારકા ખાતે આગામી શનિવાર તા. ૭ થી શરૂ થતી દીપોત્સવી ઉજવણીની શ્રૃંખલાને અનુલક્ષીને કરવામાં આવેલા ફેરફારના શનિવારે ધનતેરસ નિમિત્તે શ્રીજીના દર્શન રાબેતા મુજબના સમયે થશે. જ્યારે રવિવાર તા. ૮ ના રોજ રૂપ ચતુર્દશી અને દિવાળી નિમિત્તે સવારે ૫:૩૦ વાગ્યે મંગળા આરતી, સવારે ૭ થી ૮ વાગ્યા સુધી સ્નાન બંધ અને અન્ય દર્શન નિત્યક્રમ બાદ બપોરે ૧ વાગ્યે અનોસર (દર્શન બંધ) થશે. રવિવારે સાંજે ૫ વાગ્યે ઉત્થાપન અને રાત્રે ૮:૧૫ વાગ્યે હાટડી દર્શન બાદ રાત્રે ૯:૪૫ વાગ્યે શયનના દર્શન થશે. સોમવાર તા. ૯ ના રોજ અન્નકૂટ ઉત્સવ - ગોવર્ધન પૂજામાં સવારે ૬ વાગ્યે મંગળા આરતી, અને ૧૧:૩૦ વાગ્યે ગોવર્ધન પૂજા બાદ બપોરે ૧ વાગ્યે અનોસર (દર્શન બંધ) રહેશે. સાંજે ૫ થી ૭ વાગ્યા સુધી અન્નકૂટના દર્શન અને ૯:૪૫ વાગ્યે શયનના દર્શન થશે. મંગળવાર તા. ૧૦ ના રોજ નુતન વર્ષ નિમિત્તે સવારે ૭ વાગ્યે મંગળા આરતી બાદ અન્ય દર્શન નિત્યક્રમ મુજબ થશે. આ જ રીતે બુધવાર તા. ૧૧ ના રોજ ભાઈબીજથી તમામ દર્શન નિત્યક્રમ મુજબ થશે તેમ મંદિરના વહીવટદારની એક યાદીમાં જણાવાયું છે. આ ઉપરાંત ઉપરોક્ત દર્શનનો લાભ શ્રી દ્વારકાધીશ મંદિરના ઓફિસિયલ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ થઈ શકશે.


