દિલ્હીમાં BMW કારની હડફેટે નાણા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીનું કરૂણ મોત : અકસ્માત કે હત્યાનું ષડયંત્ર ? તપાસનો ધમધમાટ

દિલ્હીમાં BMW કારની હડફેટે નાણા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીનું કરૂણ મોત : અકસ્માત કે હત્યાનું ષડયંત્ર ? તપાસનો ધમધમાટ

(એજન્સી)     નવી દિલ્હી તા.૧૫
દિલ્હીના કેન્ટોન્મેન્ટ મેટ્રો સ્ટેશન નજીક BMW કારની ટક્કરથી નાણા મંત્રાલયના એક અધિકારીનું મોત થયું છે. આ અધિકારીની ઓળખ નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગમાં નાયબ સચિવ નવજોત સિંહ તરીકે થઈ છે.  જાેકે નાણા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીનું કારની ટક્કરે મોત થતાં આ બાબતે અનેક સવાલો સર્જાયા છે જેમાં આ અધિકારીનું મૃત્યુ અકસ્માતને કારણે થયું છે કે, તેની પાછળ કોઈ ષડયંત્ર હતું ? તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ નવજોતસિંહ તેમની પત્ની સાથે બાઇક પર જઈ રહ્યા હતા. 
ત્યારે પાછળથી આવેલી BMW કારે તેમને ટક્કર મારી. કારમાં બેઠેલી મહિલા નવજોત અને તેની પત્નીને હોસ્પિટલ લઈ ગઈ. ત્યાં નવજોતનું મૃત્યુ થયું, જયારે તેમની પત્નીની હાલત ગંભીર છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, નવજોત અને તેની પત્નીને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવાને બદલે, તેમને અકસ્માત સ્થળથી લગભગ ૧૭ કિમી દૂર જીટીબી નગરની ન્યૂલાઇફ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ BMW કાર અને મોટરસાઇકલ પણ જપ્ત કરવામાં આવી છે. FIR નોંધવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે.
કાર ચલાવતી મહિલા અને તેના પતિ પણ ઘાયલ થયા છે. બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, બંનેના નિવેદનો નોંધવામાં આવશે. આ અકસ્માત બાદ મૃતકના પુત્રએ મિડીયા સાથે વાતચીત કરી જણાવ્યું કે, અકસ્માત બાદ BMW માં બેઠેલ દંપતિને પોલીસે ૬ કલાક સુધી છુપાવી રાખ્યા હતા તેટલું જ નહીં, તેમને નજીકની હોસ્પિટલને બદલે ૧૯ કિમી દુરની હોસ્પિટલમાં લઈ જવાની બાબત પણ શંકાસ્પદ બની ગઈ છે. પોલીસે આ દિશામાં સઘન તપાસ હાથ ધરી છે.