દેશની પશ્ચિમી સરહદે હાઈએલર્ટ : ગુજરાત, રાજસ્થાન, પંજાબ, જમ્મુ-કાશ્મીરમાં આજે સાંજે બ્લેકઆઉટ મોકડ્રીલ
(એજન્સી) નવી દિલ્હી તા.૨૪:
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશો મુજબ દેશની પશ્ચિમી સરહદ નજીક આવેલા રાજ્યોમાં સંભવિત હવાઈ હુમલા અને કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે વ્યાપક સિવિલ ડિફેન્સ બ્લેકઆઉટ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. લદ્દાખના લેહથી લઈને પંજાબ અને રાજસ્થાનના વિવિધ જિલ્લાઓમાં આજે 24 એપ્રિલ 2026ના રોજ રાત્રે સાયરન વગાડીને સંપૂર્ણ અંધારપટ (બ્લેકઆઉટ) કરવાની કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે. આ માત્ર પૂર્વતૈયારી માટેની કવાયત છે, તેથી નાગરિકોને અફવાઓથી દૂર રહી તંત્રને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. સત્તાવાર વિગતો અનુસાર, છેલ્લા બે દિવસથી ભારતની પશ્ચિમી સરહદે આવેલા રાજ્યો જેવા કે રાજસ્થાન, પંજાબ, જમ્મુ-કાશ્મીર અને ગુજરાતની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા કવાયત તેજ કરવામાં આવી છે. લેહના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મુકુલ બેનીવાલ દ્વારા ગઈકાલે એક સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ આદેશ મુજબ, લેહ જિલ્લામાં આજે સાંજે સાત વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી સિવિલ ડિફેન્સ એર રેડ બ્લેકઆઉટ મોક એક્સરસાઇઝ (હવાઈ હુમલા સામે રક્ષણની કવાયત) યોજવામાં આવી છે.


