અમને અમારી ક્ષમતાઓ પર પૂરો ભરોસો : CDS
સીડીએસ ચૌહાણે રાંચીમાં એક કાર્યક્રમમાં કહ્યું 'ભારતે પાકિસ્તાની નાગરિકોના જીવની કિંમત સમજી'
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાંચી, તા.૨૧
૨૨ એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો, જેના જવાબમાં ભારતીય સેનાએ ઓપરેસન સિંદૂર પાર પાડી પાકિસ્તાનની કમર તોડી નાખી હતી, જેની આજે પણ ચર્ચાઓ ચાલી રહી છે. સેનાએ ૭થી ૧૦ મે સુધી ઓપરેશન ચલાવી પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાંઓ અને એરબેઝને નષ્ટ કરી દીધા હતા. ઓપરેશન સિંદૂર માટે મધ્યરાત્રિ કેમ પસંદ કરાઈ? તે અંગે દેશના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે કારણ સમજાવ્યું છે.
સીડીએસ ચૌહાણે રાંચીમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરને ૭મી મેની રાત્રે એકથી દોઢ વાગ્યાની વચ્ચે અંજામ આપ્યો હતો. તેમણે આ સમય પસંદ કરવા પાછળના બે મુખ્ય કારણો જણાવ્યા છે. તેમણે પ્રથમ કારણ જણાવ્યું છે કે, ‘અમને અમારી ક્ષમતાઓ પર પૂરો ભરોસો હતો કે અમે રાત્રે અંધારામાં પણ સચોટ તસવીરો (ઈમેજરી) લઈ શકીશું અને પુરાવાઓ એકઠા કરી શકીશું. સામાન્ય રીતે રાત્રિ દરમિયાન સેટેલાઇટ ફોટોગ્રાફી કવી એ સૌથી મુશ્કેલ કામ છે, પરંતુ સેનાએ પોતાની ટેકનોલોજી પર ભરોસો રાખીને આ પડકાર પાર પાડ્યો હતો.’
સીડીએસ બીજા કારણમાં કહ્યું છે કે, ‘હુમલો કરવાનો સૌથી સારો સમય સવારે ૫.૩૦થી ૬.૦૦ વાગ્યાની વચ્ચે હોય છે, જ્યારે દિવસની શરૂઆત થાય છે. જાેકે આ સમયે પહેલી અજાન અને નમાજ થાય છે અને તે સમયે બહાવલપુર અને મુરીદકેમાં અનેક લોકોની અવરજવર થતી હોય છે. જાે અમે સવારે હુમલો કરીએ તો ઘણા નિર્દોષ નાગરિકોના મોત થઈ શકે છે. તેથી સેનાએ નાગરિકોના જીવને ધ્યાને રાખી, તેમને બચાવવા માટે અને માત્ર આતંકી ઠેકાણાંઓને ટાર્ગેટ કરવા માટે રાત્રે એકથી દોઢ વાગ્યાનો સમય પસંદ કર્યો હતો.’


