રશિયાથી ઓઈલ ખરીદવા મુદ્દે ભારત બાદ યુરોપ પર ગુસ્સે ભરાયા ટ્રમ્પ

રશિયાથી ઓઈલ ખરીદવા મુદ્દે ભારત બાદ યુરોપ પર ગુસ્સે ભરાયા ટ્રમ્પ
History.com

(સંપૂર્ણ સમાચાર સેવા)
વોશિંગ્ટન, તા.૨૧
રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો પર અમેરિકન પ્રમુખ  ડોનાલ્ડ ટ્રમ્પ સતત કડક વલણ અપનાવી રહ્યા છે. રશિયા પાસેથી તેલ ખરીદવા બાબતે ટ્રમ્પે મંગળવારે યુરોપને આકરી ચેતવણી આપતા કહ્યું કે, યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષના પ્રયાસો માટે રશિયાની રાજધાની મોસ્કોને મળતા ફાઇનાન્સને રોકવા માટે રશિયન તેલની ખરીદી તરત જ બંધ કરી દે. યુરોપ મારો મિત્ર છે, પરંતુ યુરોપ રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે. હું નથી ઈચ્છતો કે તેઓ તેલ ખરીદે અને તેઓ જે પ્રતિબંધો લગાવી રહ્યા છે, તે પૂરતા નથી.
પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા માટે એક કરાર કરવો જાેઈએ. તેમણે આગળ વધવું પડશે અને એક કરાર કરવો પડશે. ઝેલેન્સકીએ કરાર કરવો પડશે અને યુરોપે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવું પડશે. તેઓ વાતો તો કરે છે, પરંતુ તેમને રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવું પડશે.
રશિયા-યુક્રેન યુદ્ધ વિશે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે, આવું યુદ્ધ ક્યારેય થવું નહોતું જાેઈતું. આ માટે તેમણે સંઘર્ષમાં સામેલ બંને દેશોના નેતાઓ વચ્ચે દુશ્મનીને જવાબદાર ગણાવી. તેમણે કહ્યું કે, દેશ સંકટમાં છે, પરંતુ હું તેને અટકાવીને રહીશ. મેં ૮ મહિનામાં ૭ યુદ્ધો અટકાવ્યા છે. મને લાગ્યું હતું કે આ સૌથી સરળ હશે, પણ એવું નથી. ઝેલેન્સકી અને પુતિન વચ્ચે ગજબની નફરત છે. પરંતુ અમે તેને અટકાવીને રહીશું.
તાજેતરમાં, ટ્રમ્પે નાટો અને યુરોપિયન દેશોને રશિયા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે આહ્વાન કર્યું હતું. ટ્રમ્પે કહ્યું કે, તેઓ કામ કરી રહ્યા નથી. નાટોને એક થવું પડશે. 
યુરોપને એક થવું પડશે. હું પ્રતિબંધો લગાવવા માટે તૈયાર છું, પરંતુ તેમને મારા પગલાં અનુસાર તેમના પ્રતિબંધો વધુ કડક કરવા પડશે. સ્પષ્ટ છે કે જ્યાં સુધી નાટો આગળ નહીં વધે, તમે આગળ નહીં વધો. હું આગળ વધવા માટે તૈયાર છું, પરંતુ તેમને તેમ કરવું પડશે. પરંતુ અત્યારે તેઓ માત્ર વાતો જ કરે છે, આવું કરી નથી રહ્યા.