મેક્સિકોની ફાતિમા બોશે મીસ યુનિવર્સ-ર૦રપનો ખીતાબ જીત્યો
(એજન્સી) બેંગકોક, તા.૨૧:
થાઇલેન્ડમાં યોજાયેલી મીસ યુનીવર્સ-ર૦રપ સ્પર્ધામાં મેક્સિકોની ૨૫ વર્ષીય ફાતિમા બોશે મિસ યુનિવર્સ ૨૦૨૫નો તાજ પહેરીને ઇતિહાસ રચ્યો છે. તેના વીડિયો સોશિયલ મીડિયા પર ફરતા થઈ રહ્યા છે, અને તેના ચાહકો તેને હૃદયપૂર્વક અભિનંદન આપી રહ્યા છે. મિસ યુનિવર્સ ૨૦૨૫નો ફિનાલે ૨૧ નવેમ્બરના રોજ થાઇલેન્ડના બેંગકોકમાં યોજાઈ હતી અને ભારતીય સમય મુજબ આજે સવારે ૬:૩૦ વાગ્યે શરૂ થયો હતો. અહેવાલો અનુસાર, મિસ મેક્સિકોને મિસ યુનિવર્સનો તાજ પહેરાવવામાં આવ્યો છે. ચોથી રનર-અપ કોટ ડી‘આઇવોર હતી, ત્યારબાદ થાઇલેન્ડ ફસ્ર્ટ રનર-અપ, વેનેઝુએલા સેકન્ડ રનર-અપ અને ફિલિપાઇન્સ થર્ડ રનર-અપ રહી હતી. ભારતની ૨૨ વર્ષીય મણિકા વિશ્વકર્મા આ સ્પર્ધામાં વિવિધ દેશોની ૧૦૦ થી વધુ બ્યુટી ક્વીન્સ સામે સ્પર્ધા કરી હતી, પરંતુ જાણવા મળ્યું છે કે મણીકા ટોપ ૧૨ માટે ક્વોલિફાય થઈ શકી નથી. મિસ યુનિવર્સ ૨૦૨૫ના ફાઇનલિસ્ટમાં ચિલી, કોલંબિયા, કયુબા, ગ્વાડેલુપ, મેક્સિકો, પ્યુઅર્ટો રિકો, વેનેઝુએલા, ચીન, ફિલિપાઇન્સ, થાઇલેન્ડ, માલ્ટા અને કોટ ડી‘આઇવોરની સુંદરીઓનો સમાવેશ થાય છે.


