પોરબંદર : ગોસાબારા- મોકર સાગર વેટલેન્ડમાં આંતરરાષ્ટ્રીય સેમિનાર અંતર્ગત વિશેષ ફિલ્ડ વિઝિટ
વેટલેન્ડ સંરક્ષણ, ડેટા કલેક્શન અને પરંપરાગત જ્ઞાન અંગે નિષ્ણાતો દ્વારા ઉંડાણપૂર્વક માર્ગદર્શન અપાયું
(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.૩
ગુજરાત ઈકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ(GEER) ફાઉન્ડેશન દ્વારા પોરબંદરમાં આયોજિત ‘૮મા આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર’ના બીજા દિવસે પ્રતિભાગીઓ માટે ગોસાબારા–મોકરસાગર વેટલેન્ડ કોમ્પ્લેક્સ ખાતે વિશેષ ફિલ્ડ વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં વિષય નિષ્ણાતો દ્વારા વેટલેન્ડના મહત્વ, સંરક્ષણ અને ડેટા કલેક્શનની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ફિલ્ડ વિઝિટ દરમિયાન વિષય નિષ્ણાતો તેમજ GEER ફાઉન્ડેશનની રિસર્ચ ટીમ દ્વારા ટેકનિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રતિભાગીઓએ વેટલેન્ડ વિસ્તારની મુલાકાત લઈ ત્યાંની સ્થાનિક વનસ્પતિ, પક્ષી વૈવિધ્યતા તથા જળપ્લાવિત વિસ્તારોના સંરક્ષણ માટે ઉપયોગી પરંપરાગત જ્ઞાન અંગે પ્રત્યક્ષ માહિતી મેળવી હતી. સાથે સાથે સ્થાનિક સમુદાયો સાથે સંકળાયેલા પરંપરાગત જ્ઞાનના આદાન-પ્રદાન માટે હેન્ડ્સ-ઓન પ્રવૃત્તિઓ પણ યોજાઈ હતી. ફિલ્ડ વિઝિટ બાદ યોજાયેલા સમાપન સત્રમાં પ્રતિભાગીઓએ પોતાના અવલોકનો અને પ્રતિભાવો રજૂ કર્યા હતા. આ પ્રસંગે GEER ફાઉન્ડેશનના ડાયરેક્ટરની ઉપસ્થિતિમાં વેટલેન્ડ અને સાંસ્કૃતિક વારસા વિષયક વિશેષ ચર્ચા કરવામાં આવી હતી તેમજ તમામ સહભાગીઓને પ્રમાણપત્ર એનાયત કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બે દિવસીય સેમિનારના અંતે વેટલેન્ડ સંરક્ષણ માટે સામુદાયિક ભાગીદારી અને વૈજ્ઞાનિક અભિગમના સમન્વય પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.


