પવિત્ર ધનુર્માસ નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને એમ્બ્રોઇડરી વર્કવાળાવાઘા પ્રાકૃતિક શણગાર કરાયો
(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.૬
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે પવિત્ર ધનુર્માસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આજે તારીખ ૬-૧-૨૦૨૬, મંગળવારના રોજ પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને વૃંદાવનમાં તૈયાર થયેલા એમ્બ્રોઈડરી વર્ક અને આકર્ષક ફૂલોની ડિઝાઈન ધરાવતા વિશેષ વાઘા પહેરાવવામાં આવ્યા હતા. સિંહાસનને આકર્ષક પ્રાકૃતિક શણગારથી સુશોભિત કરવામાં આવ્યું હતું, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સવારે મંગળા આરતી ૫:૩૦ કલાકે વડતાલ સ્વામિનારાયણ મંદિરના વડતાલ ધામ શ્રી સત્સંગ મહાસભાના પ્રમુખ પૂ.શ્રી નૌતમ સ્વામીજી દ્વારા સવારે ૭ કલાકે શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. ભક્તો મનોકામના પૂર્ણ કરવા માટે ઘણા ભક્તો પોતાના ગામ અને શહેરથી મંદિરની મોટી ધ્વજા બનાવી સંઘ સાથે પદયાત્રા કરીને દાદાના દરબારમાં સંગીત ડીજે સાથે મંદિરમાં ધ્વજા ચઢાવવામાં આવી હતી. પવિત્ર ધનુર્માસ (તા. ૧૬ ડિસેમ્બર ૨૦૨૫ થી તા. ૧૪ જાન્યુઆરી ૨૦૨૬) દરમિયાન વિશ્વમાં શાંતિ અને પારિવારિક સુખ-સમૃદ્ધિ જળવાય તે હેતુથી મંદિરમાં વિશેષ જાપ યજ્ઞ કરવામાં આવ્યો છે.પવિત્ર ભુદેવો દ્વારા "શ્રી હનુમાન ચાલીસા" અને વિશેષ મંત્ર "ૐ નમો હનુમતે ભયભંજનાય સુખમ્ કુરૂ ફટ્ સ્વાહા"ના સામૂહિક પાઠ કરવામાં આવી રહ્યા છે. સમય દરરોજ સવારે ૭ થી ૧૨ અને બપોરે ૩ થી સાંજે ૬:૩૦ કલાક સુધી આ જાપ યજ્ઞ ચાલુ રહેશે. મંદિરના પરિસરમાં મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવ્ય દર્શન અને આરતી-મહાપ્રસાદનો લાભ હજારો હરિભક્તોએ પ્રત્યક્ષ લઈને ધન્યતા અનુભવી હતી.


