વિશ્વમાં ચોખાના ઉત્પાદનમાં ચીનને પાછળ છોડી ભારત નં.૧ બન્યું
(એજન્સી) નવી દિલ્હી તા.૬:
ભારત ચોખાના ઉત્પાદનમાં પડોશી દેશ ચીનને પાછળ છોડીને વિશ્વનો સૌથી મોટો ચોખા ઉત્પાદક દેશ બન્યો છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિહ ચૌહાણે કહ્યું, ભારતનું ચોખાનું ઉત્પાદન વધીને ૧૫૧.૮ મિલિયન ટન થયું છે, જે ચીનના ૧૪૫ મિલિયન ટન ઉત્પાદનને પાછળ છોડી દે છે. આ દેશ માટે એક અભૂતપૂર્વ સિદ્ધિ છે. ૨૫ પાકોની ૧૮૪ નવી જાતો બહાર પાડતી વખતે ચૌહાણે કહ્યું, દેશમાં અનાજનો ભંડાર વિપુલ પ્રમાણમાં છે, જે ભારતની ખાદ્ય સુરક્ષાને સંપૂર્ણપણે સુનિશ્ચિત કરે છે. મહત્વનું છે કે, ભારત ખાદ્ય અછતવાળા દેશમાંથી વૈશ્વિક ખાદ્ય પ્રદાતા બન્યો છે અને વિદેશી બજારોમાં ચોખાનો પુરવઠો પૂરો પાડી રહ્યો છે. આનાથી વૈશ્વિક ભાવોને નિયંત્રિત કરવામાં મદદ મળી રહી છે.


