બંધ ઘરના તાળા તોડવાની ઘટનાઓ ના બને તે માટે પોલીસ સર્તક બની
સોનાચાંદીના વેપારીઓ તથા આંગડિયા પેઢીના માલિકોને સુરક્ષાની પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૩
દિવાળી આવે એટલે ગુજરાતીઓ અલગ અલગ જગ્યાઓ ઉપર ફરવા ઉપડી જાય છે. દિવાળીના વેકેશનમાં મોટાભાગના ગુજરાતીઓ ફરવા જવાનું પસંદ કરે છે. આવામાં ઘરફોડ ચોરોને લ્હાણી થઈ જાય છે. દિવાળીના વેકેશનમાં બંધ ઘરના તાળા તોડવાની ઘટનાઓ વધી જાય છે. પરિવારો આવીને જુએ તો ઘરના તાળા તૂટેલા હોય અને ઘરનો સામાન-દાગીનાની ચોરી થતી હોય છે. આવામાં દિવાળીમાં ચોરીની ઘટનાઓ અટકાવવા માટે અમદાવાદ પોલીસે માસ્ટર પ્લાન બનાવ્યો છે.
દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ઘરફોડ ચોરી, કારના કાચ તોડીને ચોરી કે પછી સોના ચાંદીના વેપારી કે આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસેથી ચોરી કે પછી નજર ચૂકવીને ચોરી, ચેન સ્નેચિંગ, મોબાઈલ સ્નેચિંગના બનાવો બનતા અટકે તે માટે અમદાવાદ ગ્રામ્ય એસપી દ્વારા ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. જેમાં દિવાળીના દિવસોમાં બંધ રહેતા મકાનો, દૂકાનો, જ્વેલરી શો-રૂમ તથા અન્ય શો રૂમમાં ચોરી ન થાય તે માટે ખાસ પ્લાન બનાવ્યો છે. આ માટે સોનાચાંદીના વેપારીઓ, આંગડિયા પેઠીના માલિકો, વિવિધ સોસાયટીના ચેરમેન સેક્રેટરીઓ સાથે એસપી દ્વારા મિટિંગ યોજાઈ હતી અને સોનાચાંદીના વેપારીઓ તથા આંગડિયા પેઢીના માલિકોને સુરક્ષાની પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવી છે.
દિવાળીના પર્વમાં આ બનાવો અટકાવવા માટે પોલીસ દ્વારા ખાસ અમદાવાદ ગ્રામ્યના આવતા વિસ્તારો કે જે સ્થળે CCTV ઓછા હોય, અવાવરૂ જગ્યાઓ હોય, ચોરી કે લૂંટનો ડર વધુ હોય તેવા સ્થાનો પર પોલીસ વધુ સતર્ક રહેશે. જે માટે પોલીસ દ્વારા સોસાયટી ચેરમેન, આંગળિયા પેઢીના માલિકો, જ્વેલર્સ અને સિક્યુરિટી એજન્સીને મળી સાથે મિટિંગ કરી ચોરીના બનાવો ન બને તે માટે દિવાળી દરમિયાન સાવચેતી રાખવા બાબતે સૂચનો આપવામાં આવ્યા છે. જ્યાં ઝ્રઝ્ર્ફ ઓછા હોય, લોકોની અવર-જવર ઓછી હોય, ત્યાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવશે.
પોલીસ સાદા કપડા પહેરીને પેટ્રોલિંગ કરશે, જેથી વધુ નજર રાખી શકાય. આ સાથે જ શો-રૂમની આસપાસ ફરતા શંકાસ્પદ વ્યક્તિની પુછપરછ કરવામાં આવશે. સોસાયટીમાં લોકો ફરવા જતા હોય તો સ્થાનિક પોલીસમાં જાણ કરવી. સોસાયટીના કેટલા મકાનોમાં લોકો બહારગામ છે તેની જાણ કરવી. તેમજ જાે વધુ દિવસો ફરવા જવાનું પ્લાનિંગ હોય તો અચૂક જાણ કરવી, જેથી તમારા ઘરના તાળા તૂટતા બચાવી શકાય. ત્યારે તહેવારોમાં શહેરીજનો ભલે બહારગામ જાય, સાથે ફરે અને રજાઓનો આનંદ લે પણ અમદાવાદ પોલીસ તેમની કિંમતી ચીજ વસ્તુઓનું સતર્કતા પૂર્વક ધ્યાન રાખશે અને ચોરી અને લૂંટથી બચાવશે. ત્યારે પોલીસ તો પોતાનું કામ કરી જ રહી છે પરંતુ સાથે લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે.


