માંગરોળમાં કારને બનાવ્યું હથિયાર, યુવકોને કચડવાનો પ્રયાસ
ભાણી સાથે સંપર્ક રાખતા યુવક સામે મામાઓનો જીવલેણ કાવતરું, CCTVથી ભાંડો ફૂટ્યો
જૂનાગઢ તા.11
જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં વ્યક્તિગત મનદુઃખે હિંસક સ્વરૂપ ધારણ કરતાં બે યુવકો પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં સામાન્ય રોડ અકસ્માત લાગતી આ ઘટનાએ CCTV ફૂટેજ સામે આવ્યા બાદ ગંભીર ગુનાનું સ્વરૂપ ધારણ કર્યું છે.
ઘટના કામનાથ રોડ પર બની હતી, જ્યાં બાઇક પર પસાર થઈ રહેલા બે યુવકોને પાછળથી ધસી આવેલી કારે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર બાદ પણ કાર અટકી નહોતી અને બાઇકચાલકોને થોડે અંતર સુધી ઢસડી જતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
પોલીસે આસપાસના CCTV ફૂટેજ એકત્ર કરીને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ કોઈ અકસ્માત નહીં પરંતુ પૂર્વ આયોજિત હુમલો હતો. આરોપીઓએ જૂની અદાવત અને પારિવારિક મનદુઃખના કારણે યુવકોને નિશાન બનાવ્યા હોવાનું બહાર આવ્યું છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ભોગ બનનાર યુવક આરોપીઓની ભાણી સાથે સંપર્કમાં હતો. આ બાબતથી નારાજ આરોપીઓએ અગાઉ પણ ધમકીઓ આપી હતી. તેમ છતાં સંપર્ક ચાલુ રહેતાં બંનેએ મળીને યુવકને પાઠ ભણાવવાના ઇરાદે જીવલેણ હુમલાનું કાવતરું ઘડ્યું હોવાનું પોલીસ માની રહી છે.
સદનસીબે આ હુમલામાં બંને યુવકોનો બચાવ થયો છે, જોકે તેમને ઇજાઓ પહોંચી છે અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે હત્યાના પ્રયાસ સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ હાલ તપાસનો મહત્વનો આધાર બન્યા છે.


