માતૃશ્રી એમ.જી. ભુવા કન્યા વિદ્યા મંદિર - જાેષીપુરાની વિદ્યાર્થીનીઓ ઝોન કક્ષાનાં કલા મહાકુંભ-૨૦૨૬માં ઉત્કૃષ્ટ પ્રદર્શન
જૂનાગઢ, તા.૧૯
જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જૂનાગઢ તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, જૂનાગઢ દ્વારા આયોજિત કલા મહાકુંભ-૨૦૨૬ અંતર્ગત ઝોન (જૂનાગઢ શહેર) કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં માતૃશ્રી એમ.જી. ભુવા કન્યા વિદ્યા મંદિર, જાેષીપુરા, જૂનાગઢની વિદ્યાર્થિનીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. કલા મહાકુંભ શિક્ષણને વધુ અભિવ્યક્તિશીલ, સર્જનાત્મક અને આનંદદાયક બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આવું આયોજન તાલુકા, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ વિદ્યાર્થીઓની કલાત્મક સૂઝ, સર્જનાત્મકતા અને પ્રતિભાને ઉજાગર કરવા માટે એક સશક્ત મંચ પૂરૂ પાડે છે. તેના માધ્યમથી વિદ્યાર્થીઓ નાનપણથી જ પોતાની કલાત્મક ક્ષમતાઓ વિકસાવીને “એક ભારત, શ્રેષ્ઠ ભારત, વિકસિત ભારત”ના નિર્માણમાં યોગદાન આપવા પ્રેરાય છે. તા.૬ અને ૭ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ યોજાયેલી કલા મહાકુંભની ઝોન કક્ષાની સ્પર્ધાઓમાં શાળાની વિદ્યાર્થિનીઓ (૧) કુ. કર્મા બી. બારૈયા ભજન સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક (૨) કુ. અર્ચના બી. ટીલાવત એ લોકગીત સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક (૩) કુ. સુહાની એસ. ઉસદડિયાએ ચિત્રકલા સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક (૪) કુ. ધૃવી આર. જાદવ એ એકપાત્રીય અભિનય સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક અને (૫) કુ. પંથી કે. કોલડિયાએ લગ્નગીત સ્પર્ધામાં તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરીને સર્જનાત્મકતા, કલાત્મક સમજણ અને નૈસર્ગિક પ્રતિભાનું સુંદર પ્રદર્શન કર્યું હતું.
આ સફળતા પાછળ શાળાનાં આચાર્યા જયશ્રીબેન રંગોલિયા તેમજ કાન્તાબેન ઉસદડ અને રેહાનાબેન સાંધ સહિતનાં શાળાના કર્મચારીઓનો ઉત્સાહભર્યો સહયોગ મહત્વપૂર્ણ રહ્યો હતો. ઝોન કક્ષાએ પસંદગી પામેલી શ્રેષ્ઠ કૃતિઓ આગામી સમયમાં યોજાનારી જિલ્લા કક્ષાની કલા મહાકુંભ-૨૦૨૬ની સ્પર્ધાઓમાં જૂનાગઢ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. વિદ્યાર્થીનીઓની આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ સંસ્થાના ચેરમેન જે. કે. ઠેસિયા, જાેઇન્ટ મેનેજિંગ ટ્રસ્ટી મૃણાલિનીબેન ગોધાણી સહિતના ટ્રસ્ટીઓ, વહીવટી અધિકારી કે. પી. ગજેરા, શિક્ષણ નિયામક જી. બી. છોડવડિયા સહિતના વિદ્યાગુરૂઓ તથા સમગ્ર શાળા પરિવારે વિદ્યાર્થીનીઓને હાર્દિક અભિનંદન પાઠવી આગામી સ્પર્ધાઓમાં પણ સફળતા પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.


