માળીયા હાટીનામાં 1થી 19 વર્ષના બાળકો માટે કૃમિનાશક અભિયાન, આરોગ્ય ટીમે આપી અલ્બેન્ડાઝોલની ગોળી
શાળા જતા અને ન જતા બાળકોને આવરી લેવાયા, કૃમિના કારણે થતા પોષક તત્વોની ઉણપ અને વિકાસ પર અસર અંગે અપાઈ સમજણ
જૂનાગઢ, તા. 10
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં આજે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અંતર્ગત વિશેષ અભિયાન યોજવામાં આવ્યું હતું. તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ડાભી તેમજ વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના મેડિકલ ઓફિસરોના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય તાલુકાના 1થી 19 વર્ષની વયજૂથના તમામ બાળકોને કૃમિમુક્ત બનાવવાનો હતો. શાળામાં અભ્યાસ કરતા બાળકો ઉપરાંત શાળાએ ન જતા બાળકોને પણ અભિયાનમાં આવરી લેવામાં આવ્યા હતા. આ કામગીરીમાં FHW, MPHW, CHO અને આશા બહેનો સહિતની આરોગ્ય ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અભિયાન દરમિયાન બાળકો અને શિક્ષકોને પેટમાં કૃમિના કારણે થતા નુકસાન અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આરોગ્ય કર્મચારીઓ દ્વારા 1થી 19 વર્ષની વયના બાળકોને અલ્બેન્ડાઝોલની ગોળી ચાવીને ખાવા અને ત્યારબાદ સ્વચ્છ પાણી પીવાની સમજ આપવામાં આવી હતી અને ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ પેટમાં કૃમિ થવાથી શરીરમાં પોષક તત્વો અને લોહીની ઉણપ ઊભી થઈ શકે છે, જેના કારણે બાળકોના શારીરિક વિકાસ, સ્વાસ્થ્ય અને અભ્યાસ દરમિયાન એકાગ્રતા પર પણ અસર પડી શકે છે. આવી સમસ્યાઓથી બાળકોને બચાવવા માટે કૃમિનાશક દવાનું સેવન મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અભિયાન દરમિયાન કોઈ બાળક દવા લેવાથી બાકી રહી ગયું હોય તો તેને આગામી મોક રાઉન્ડમાં આવરી લેવામાં આવશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વાલીઓ, શિક્ષકો, આંગણવાડી કાર્યકર બહેનો તેમજ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સક્રિય સહયોગ આપવામાં આવ્યો હતો. તાલુકામાં બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને હાથ ધરાયેલા આ અભિયાનથી મોટી સંખ્યામાં બાળકોને કૃમિનાશક દવાનો લાભ મળ્યો હતો.


