‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના કાર્તિક મોહસિન ખાનની સગાઈ, તમન્ના સાથેના ફોટા શેર કરી ચાહકોને આપ્યું સરપ્રાઈઝ
સોશિયલ મીડિયા પોસ્ટથી જાહેર કર્યો સંબંધ, બ્લેક ટક્સીડોમાં મોહસિન તો રેડ ગાઉનમાં જોવા મળી તમન્ના
મુંબઈ તા.24
ટીવી જગતના જાણીતા અભિનેતા મોહસિન ખાને પોતાના અંગત જીવન અંગેની એક ખાસ વાત સોશિયલ મીડિયા પર જાહેર કરીને ચાહકોને ચોંકાવી દીધા છે. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં કાર્તિકની ભૂમિકા ભજવીને લોકપ્રિય બનેલા મોહસિન ખાને પોતાની સગાઈની જાહેરાત કરી છે.
અભિનેતાએ સોશિયલ મીડિયા પર સગાઈના સેલિબ્રેશનની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી. આ તસવીરોમાં તે બ્લેક ટક્સીડોમાં જોવા મળે છે, જ્યારે તેની મંગેતર તમન્ના રેડ ગાઉનમાં નજરે પડે છે. એક ફોટોમાં તમન્ના પોતાની ડાયમંડ એન્ગેજમેન્ટ રિંગ પણ ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
મોહસિન અને તમન્નાના સંબંધો અત્યાર સુધી મીડિયાથી દૂર રહ્યા હતા. અભિનેતાએ પોતાના અંગત જીવનને ખાનગી રાખ્યું હોવાથી બંને ક્યારથી એકબીજાને ઓળખે છે તે અંગે વધુ વિગતો સામે આવી નથી. જોકે, પોતાની પોસ્ટમાં મોહસિને તમન્ના સાથે પહેલી મુલાકાતથી જ પ્રેમની લાગણી અનુભવાઈ હોવાનો સંકેત આપ્યો છે.
સગાઈની તસવીરો સામે આવ્યા બાદ ચાહકોમાં તમન્નાને લઈને પણ ઉત્સુકતા વધી છે. ઉપલબ્ધ માહિતી પ્રમાણે તમન્ના ટીવી કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી નથી. તે ભારતની રહેવાસી છે કે નહીં અને સગાઈ ક્યાં યોજાઈ હતી તે અંગે પણ અભિનેતા તરફથી કોઈ સ્પષ્ટ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
મોહસિને અચાનક સગાઈની તસવીરો શેર કરતાં તેના ચાહકો તેમજ ટીવી જગતના સાથી કલાકારો માટે પણ આ સમાચાર સરપ્રાઈઝ બની ગયા છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ સામે આવ્યા બાદ મોહસિનને સેલિબ્રિટીઓ અને ફેન્સ તરફથી શુભેચ્છાઓ મળવા લાગી છે.
હવે ચાહકોની નજર મોહસિન અને તમન્નાના સંબંધ અંગેની વધુ વિગતો પર છે. ખાસ કરીને બંનેની મુલાકાત ક્યારે અને કેવી રીતે થઈ તથા સગાઈ ક્યાં યોજાઈ તે અંગે અભિનેતા આગામી દિવસોમાં કોઈ ખુલાસો કરે છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે.


