રોટરી ક્લબ ઓફ જૂનાગઢ દ્વારા ગ્રામીણ વિકાસ યોજના અંતર્ગત વધાવી ગામ દત્તક લીધું

નિ:શુલ્ક મેડિકલ સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો અને ૨૧૦ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ

રોટરી ક્લબ ઓફ જૂનાગઢ દ્વારા ગ્રામીણ વિકાસ યોજના અંતર્ગત વધાવી ગામ દત્તક લીધું

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૧૦
વધાવી ગામના સર્વાંગી વિકાસ અને ગ્રામ્ય સમાજના આરોગ્ય, શિક્ષણ તથા જીવનસ્તરમાં સુધારો લાવવાના ઉમદા હેતુથી રોટરી ક્લબ ઓફ જૂનાગઢ દ્વારા રોટરી ગ્રામીણ વિકાસ યોજના અંતર્ગત વધાવી ગામને આગામી બે વર્ષ માટે એટલે કે જુલાઈ ૨૦૨૬ થી જૂન ૨૦૨૮ સુધી દત્તક લેવામાં આવ્યું છે. આ બે વર્ષીય વિકાસ યોજનાના ભાગરૂપે વધાવી પ્રાથમિક શાળા, જૂનાગઢ ખાતે પ્રથમ કાર્યક્રમ તરીકે નિ:શુલ્ક મેડિકલ સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા ગ્રામ્ય વિસ્તારના બાળકોના આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે સેવા પ્રવૃત્તિઓનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કેમ્પ દરમિયાન શાળાના બાળકોની સામાન્ય આરોગ્ય તપાસ, દ્રષ્ટિ, દાંત તેમજ અન્ય જરૂરી પ્રાથમિક આરોગ્ય સંબંધિત ચકાસણી નિષ્ણાત તબીબો દ્વારા કરવામાં આવી હતી. જરૂરિયાત ધરાવતા બાળકોને જરૂરી દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી. આ આરોગ્ય ચકાસણી દ્વારા બાળકોના સ્વાસ્થ્ય અંગે વહેલી તકે જરૂરી માર્ગદર્શન અને સારવાર મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે બાળરોગ નિષ્ણાત ડો. મયંક શાહ, ડો. આર. સી. ઠૂમ્મર અને ડો. જયચન્દ્ર રતનપરા તેમજ દાંતના રોગોના નિષ્ણાત ડો. નિલેષ પોશીયા અને ડો. નીરવ મારડીયાએ બાળકોની આરોગ્ય તપાસ કરી જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું. સાથે સાથે રોટરી ક્લબ ઓફ જૂનાગઢ ના પ્રેસિડેન્ટ દીપકભાઈ મૂલચંદાણી સેક્રેટરી ડોક્ટર નિલેશ કારીયા, ભાવિનભાઈ છત્રાળા (કે.જે.હોસ્પિટલ જૂનાગઢ), એડવોકેટ આનંદભાઈ દવે, સાગરભાઈ અગ્રાવત, બીપીનભાઇ કણસાગરા ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમના બીજા મહત્વપૂર્ણ ભાગરૂપે રોટરી ક્લબ ઓફ જૂનાગઢ દ્વારા શાળાના ૨૧૦ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક કીટ મેળવી બાળકોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. આ સહાય દ્વારા બાળકોને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહન મળે અને તેમના અભ્યાસ માટે જરૂરી શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ બને તેવો હેતુ વ્યક્ત કરવામાં આવ્યો હતો. રોટરી સંસ્થા વિશ્વભરમાં સેવા, આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ, મહિલા અને બાળ વિકાસ, પીવાનું પાણી, રોગ નિવારણ, સાક્ષરતા અને સામાજિક વિકાસ જેવા ક્ષેત્રોમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતી છે. સ્થાનિક સ્તરે પણ રોટરી ક્લબો સમાજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આરોગ્ય કેમ્પ, રક્તદાન, શૈક્ષણિક સહાય, વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, જરૂરિયાતમંદોને સહાય અને વિવિધ જનકલ્યાણકારી પ્રવૃત્તિઓ હાથ ધરે છે. વધાવી ગામને આગામી બે વર્ષ માટે દત્તક લેવાની પહેલ અંતર્ગત રોટરી ક્લબ ઓફ જૂનાગઢ દ્વારા ગામના વિકાસ માટે તબક્કાવાર વિવિધ ક્ષેત્રોમાં કામગીરી કરવામાં આવશે. આરોગ્ય અને શિક્ષણને કેન્દ્રમાં રાખીને શરૂ થયેલો આ પ્રથમ કાર્યક્રમ આગામી દિવસોમાં વધાવી ગામના સર્વાંગી વિકાસ માટે મજબૂત પાયો પૂરું પાડશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા રોટરી ક્લબ ઓફ જૂનાગઢ, ઉપસ્થિત તમામ તબીબો તથા કાર્યક્રમમાં સહયોગ આપનાર સેવાભાવી કાર્યકરોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.