વિરપુર ખાતે રર૬ મી જલારામ જયંતિની ભવ્ય ઉજવણી

શોભાયાત્રા દરમ્યાન ૨૨૬ કિલો બુંદીનો પ્રસાદ ભાવિકોને વિતરણ કરવામાં આવશે

વિરપુર ખાતે રર૬ મી જલારામ જયંતિની ભવ્ય ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા)
વિરપુર તા.ર૯
લોહાણા રઘુવંશી સમાજનાં ઈષ્ટદેવ સંત શિરોમણી પૂ.જલારામ બાપાની રર૬ મી જન્મ જયંતિનાં પાવન અવસરે આજે વીરપુર (જલારામ) ખાતે  ભવ્ય અને ભક્તિભાવ પુર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. પૂ.જલારામ બાપાની જગ્યા ખાતે ગાદીપતી પૂ.રઘુરામ બાપા અને પરીવારજનો દ્વારા પૂ.જલારામ બાપાનું પૂજન સહીતનાં કાર્યક્રમો યોજાયા હતા. આજે જલારામ જયંતિનાં પાવન અવસરે વીરપુર ધામ ખાતે દુર દુરથી ભાવિકો દર્શનાર્થે ઉમટી પડયા છે. આજે હજારો ભાવિકો પૂ.જલારામ બાપાનાં દર્શને ઉમટી પડયા છે. આજે જલારામ બાપાની જગ્યા સંચાલીત અન્નકોટમાં હજારો ભાવિકો, જલારામ ભકતોએ પ્રસાદનો લાભ લીધો હતો.  જલારામ જયંતિના અવસરે વીરપુર શહેરને શણગારવામાં આવ્યું છે અને ભક્તિભાવ અને ઉત્સાહ ભર્યા માહોલ વચ્ચે જલારામ જયંતિની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે.  દરમ્યાન પૂજ્ય જલારામ બાપાની ૨૨૬મી જન્મ જયંતિને લઈને જલીયાણધામ ગ્રુપ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાવાની છે જે શોભાયાત્રા વીરપુરના મીનળવાવ ચોક ખાતે થી પ્રસ્થાન થશે અને વીરપુરના રાજ માર્ગો પર નિકળશે. આ શોભાયાત્રામાં  ભાવિકોને ૨૨૬ કિલો બુંદીનો પ્રસાદ વિતરણ કરવામાં આવશે, આયોજક સંજયભાઈ ઠૂંગાએ જણાવ્યું હતું કે પૂજ્ય જલારામ બાપાએ ૨૦૦ વર્ષ પહેલા બુંદી અને ગાંઠિયાના પ્રસાદથી સદાવ્રતની શરૂઆત કરી હતી જેમને લઈને આ વર્ષે જલાબાપાની ૨૨૬મી જન્મ જયંતિ હોવાથી ૨૨૬ કિલો બુંદીનો પ્રસાદ શોભાયાત્રા દરમ્યાન ભાવિકોને આપવામાં આવશે  પૂજ્ય જલારામ બાપાની ૨૨૬મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી હોવાથી વીરપુર વાસીઓમાં અનેરો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે.