શાંતિ મંત્રણાની આશા જીવિત : ઈરાન અને અમેરીકાનું પ્રતિનિધી મંડળ ઈસ્લામાબાદ આવવા સંમત

શાંતિ મંત્રણાની આશા જીવિત : ઈરાન અને અમેરીકાનું પ્રતિનિધી મંડળ ઈસ્લામાબાદ આવવા સંમત

(એજન્સી) ઈસ્લામાબાદ તા.૨૧:
અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે શાંતિ વાટાઘાટો માટેના પ્રયાસો તેજ બન્યા છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ આજે સવારે (ભારતીય સમય મુજબ સાંજે) ઇસ્લામાબાદ જવા રવાના થાય તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વ્હાઇટ હાઉસે સોમવાર સુધી રાહ જોઈ હતી કે શું ઈરાન વાટાઘાટો માટે ટીમ મોકલશે ? એવું જાણવા મળ્યું છે કે આ મુદ્દે ઈરાનમાં મતભેદો હતા. ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાડ્ર્સ (IRGC) એ દબાણ કર્યું હતું કે જ્યાં સુધી અમેરિકા તેના પ્રતિબંધો હટાવે નહીં ત્યાં સુધી વાટાઘાટો થવી જોઈએ નહીં.
દરમિયાન, પાકિસ્તાન, ઇજિપ્ત અને તુર્કી જેવા દેશોએ ઈરાનને વાટાઘાટો માટે મનાવવાનો પ્રયાસ કર્યો. સોમવારે રાત્રે, ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનીએ પ્રતિનિધિમંડળને મંજૂરી આપી, વાટાઘાટોનો માર્ગ મોકળો કર્યો. આ માહિતી યુએસ મીડિયા આઉટલેટ એક્સિઓસે સૂત્રોને ટાંકીને આપી હતી. વાન્સની સાથે, ટ્રમ્પના રાજદૂત સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર પણ ઇસ્લામાબાદ જાય તેવી શક્યતા છે. બંનેદેશો વચ્ચે શાંતિ વાટાઘાટો બુધવારે થવાની અપેક્ષા છે.
ન્યૂ યોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ ઈરાન અમેરિકા સાથે સંભવિત શાંતિ વાટાઘાટો માટે ઈસ્લામાબાદમાં એક પ્રતિનિધિમંડળ મોકલવાની તૈયારી કરી રહ્યું છે. જોકે, ઈરાને સ્પષ્ટતા કરી છે કે તેના સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘર ગાલિબાફ ફક્ત ત્યારે જ વાટાઘાટોમાં ભાગ લેશે જો યુએસ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ પણ હાજર હોય. આ શરત દર્શાવે છે કે બંને દેશો વાટાઘાટો પ્રત્યે ગંભીર છે, પરંતુ પહેલા એકબીજાની પ્રતિબદ્ધતા જોવા માંગે છે.