શ્રી કોળી સમાજ નવરાત્રી રાસોત્સવ જૂનાગઢ શૌર્ય, એકતા અને ભક્તિનો ભવ્ય સંગમ

શ્રી કોળી સમાજ નવરાત્રી રાસોત્સવ જૂનાગઢ શૌર્ય, એકતા અને ભક્તિનો ભવ્ય સંગમ

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૧૯
શ્રી કોળી સમાજ નવરાત્રી રાસોત્સવ - ૨૦૨૬માં આ વર્ષે વીરતા, ખુમારી અને સંસ્કૃતિનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. સમાજના ગૌરવશાળી વારસા અને પરંપરાને જીવંત રાખવા માટે આયોજન દ્વારા ખાસ સાંસ્કૃતિક પહેરવેશ સાથેનો રાસોત્સવ યોજવામાં આવ્યો છે, જે સમગ્ર જૂનાગઢમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ આયોજનની સૌથી મોટી અને ઐતિહાસિક ખાસિયત એ છે કે સમગ્ર રાસોત્સવ અને ખેલૈયાઓની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી આપણા જ કોળી સમાજના નિવૃત્ત આર્મી જવાનો (રીટાયર્ડ ફોજી ભાઈઓ) દ્વારા નિભાવવામાં આવી રહી છે. દેશની સીમાઓ સાચવીને નિવૃત્ત થયેલા આ દેશભક્ત વીરો પોતાના સમાજના ઉત્સવમાં શિસ્ત અને સુરક્ષાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં કદાચ આ પહેલું એવું આયોજન છે જ્યાં સમાજના પૂર્વ સૈનિકો સ્વયંભૂ સુરક્ષા છત્ર બનીને ઊભા છે, જે કોળી સમાજ માટે ભારે ગૌરવ અને શૌર્યની વાત છે. રાસોત્સવમાં સમાજના ભાઈઓ અને બહેનો પોતાના પરંપરાગત સાંસ્કૃતિક પહેરવેશમાં સજ્જ થઈને ગરબે ઘૂમી રહ્યા છે. આ સાથે ૭મા નોરતે યોજાયેલી ભવ્ય મહાઆરતીમાં તમામ સભ્યોએ ઘરેથી પૂજાની થાળી અને દીવડાઓ સાથે ઉપસ્થિત રહીને એકતા અને ભક્તિનો અદભુત માહોલ સજ્ર્યો હતો. આ પ્રસંગે આયોજન ટીમે જણાવ્યું હતું કે, "આપણા સમાજની ખુમારી, શૌર્ય અને સાંસ્કૃતિક મૂલ્યોને નવી પેઢી સુધી પહોંચાડવાનો આ એક નમ્ર પ્રયાસ છે. રીટાયર્ડ આર્મી જવાનોનું સમર્પણ અને સમાજના દરેક વર્ગનો સહકાર આ ઉત્સવને ઐતિહાસિક બનાવી રહ્યો છે."