‘સિનેમામાં હિંસા ડ્રગ જેવી બની રહી છે, ગાંધીવાદ તેનું એન્ટિડોટ છે’, અભિનેતા નીરજ કબીનું નિવેદન

અહિંસા, સત્યાગ્રહ, બલિદાન, નેતૃત્વ, માનવતા અને સમાનતાને ગણાવ્યા ગાંધીજીના છ મહત્વના સિદ્ધાંતો; કહ્યું- કલાકારની જવાબદારી માત્ર મનોરંજન પૂરતી નથી, સિનેમામાં હિંસાનો ઉપયોગ મોટા હેતુ માટે થવો જોઈએ

‘સિનેમામાં હિંસા ડ્રગ જેવી બની રહી છે, ગાંધીવાદ તેનું એન્ટિડોટ છે’, અભિનેતા નીરજ કબીનું નિવેદન

મુંબઈ, તા.૬
પડદા પર બે વખત મહાત્મા ગાંધીની ભૂમિકા ભજવી ચૂકેલા અભિનેતા નીરજ કબીએ ગાંધીજીના વિચારોની આજના સમયમાં પ્રાસંગિકતા અને હિન્દી સિનેમામાં વધી રહેલી હિંસા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. ગાંધી જયંતીના પ્રસંગે વાત કરતાં તેમણે અહિંસા, સત્યાગ્રહ, બલિદાન, નેતૃત્વ, માનવતા અને સમાનતાને મહાત્મા ગાંધીના છ મહત્વપૂર્ણ સિદ્ધાંતો ગણાવ્યા હતા.
નીરજ કબીના મતે ગાંધીજીના વિચારો માત્ર આજના સમય માટે જ નહીં પરંતુ આવનારી પેઢીઓ માટે પણ પ્રાસંગિક રહેશે. એક દાયકા કરતાં વધુ સમય પહેલાં ‘સંવિધાન’ ટીવી શોમાં મહાત્મા ગાંધીની ભૂમિકા ભજવી ચૂકેલા કબીએ ગાંધીજીના વિચારોને માત્ર શાંતિ કે ધ્યાન સાથે જોડાયેલા સિદ્ધાંતો તરીકે જોવાને બદલે સમાજમાં પરિવર્તન લાવવાના અસરકારક માધ્યમ તરીકે વર્ણવ્યા હતા.
તેમના કહેવા પ્રમાણે ગાંધીજી માટે અહિંસા, સત્યાગ્રહ અને અન્ય મૂલ્યો માત્ર આદર્શો નહોતા, પરંતુ સામાજિક પરિવર્તન માટેના ‘હથિયાર’ હતા. આ મૂલ્યોને અસરકારક રીતે જીવનમાં ઉતારવા માટે વ્યક્તિને તેની સમજ અને તાલીમ મળે તે પણ એટલું જ જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું.
દેશના યુવાનોની ભૂમિકા અંગે વાત કરતાં નીરજ કબીએ વિદ્યાર્થી આંદોલનોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જંતર-મંતર ખાતે NEET પેપર લીકના વિરોધમાં થયેલા વિદ્યાર્થી પ્રદર્શનનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે પોતાના હક અને ઉદ્દેશ્ય માટે અવાજ ઉઠાવતી વખતે યુવાનોએ મોટા ભાગે અહિંસક માર્ગ અપનાવ્યો હતો. તેમના મતે શાંતિપૂર્ણ રીતે પોતાનો વિરોધ વ્યક્ત કરવાની આ રીત ગાંધીવાદી વિચાર સાથે જોડાયેલી છે.
આ સાથે નીરજ કબીએ હિન્દી ફિલ્મોમાં હિંસાના વધતા પ્રદર્શન અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સિનેમામાં હિંસાની સરખામણી એક પ્રકારના ‘ડ્રગ’ સાથે કરતાં ગાંધીવાદને તેનું ‘એન્ટિડોટ’ ગણાવ્યું હતું.
જોકે નીરજ કબી ફિલ્મોમાં હિંસા બતાવવાનો સંપૂર્ણ વિરોધ કરતા નથી. તેમના મતે કોઈ ફિલ્મની વાર્તામાં હિંસાની જરૂરિયાત હોય અને તેના માધ્યમથી કોઈ મોટા હેતુ, વિચાર કે સંદેશને આગળ લઈ જવામાં આવતો હોય તો તેનો ઉપયોગ યોગ્ય બની શકે છે. પરંતુ માત્ર દર્શકોને આકર્ષવા અથવા વ્યાવસાયિક ફાયદા માટે હિંસાનો ઉપયોગ કરવો યોગ્ય અભિગમ નથી એવો તેમનો મત છે.
આ મુદ્દાને સમજાવવા માટે તેમણે હોલિવૂડની જાણીતી ફિલ્મ ‘શિન્ડલર્સ લિસ્ટ’નું ઉદાહરણ આપ્યું હતું. તેમના મતે આવી ફિલ્મોમાં દર્શાવવામાં આવતી હિંસા માત્ર દૃશ્યાત્મક અસર ઊભી કરવા માટે નથી હોતી, પરંતુ તેની પાછળ વાર્તાનો ઊંડો અર્થ અને ઐતિહાસિક-માનવીય સંદર્ભ રહેલો હોય છે.
નીરજ કબીનું માનવું છે કે સિનેમામાં હિંસા દર્શાવતી વખતે ફિલ્મમેકર્સે તેના હેતુ અંગે વિચારવું જરૂરી છે. જો હિંસક દૃશ્ય વાર્તાને વધુ અર્થપૂર્ણ બનાવતું હોય અથવા કોઈ ગંભીર વિષયની અસરકારક રજૂઆત માટે જરૂરી હોય તો તે વાર્તાનો ભાગ બની શકે છે, પરંતુ માત્ર મનોરંજન અને કમાણી માટે સતત હિંસાને કેન્દ્રસ્થાને રાખવી ચિંતાનો વિષય બની શકે છે.
તેમણે કલાકારો અને ફિલ્મમેકર્સની સામાજિક જવાબદારી અંગે પણ વાત કરી હતી. તેમના મતે કલાકારની ભૂમિકા માત્ર દર્શકોનું મનોરંજન કરવા પૂરતી સીમિત નથી, કારણ કે સિનેમાની લોકો પર અસર પડે છે અને અનેક દર્શકો ફિલ્મો તથા તેના પાત્રોમાંથી પ્રેરણા પણ મેળવે છે.
ગાંધીજીની ભૂમિકા ભજવવાના પોતાના અનુભવ સાથે તેમના વિચારોને નજીકથી સમજેલા નીરજ કબીના મતે અહિંસા, સત્યાગ્રહ, બલિદાન, નેતૃત્વ, માનવતા અને સમાનતા જેવા મૂલ્યો આજના સામાજિક વાતાવરણમાં પણ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને હિંસા અને આક્રમકતાના વધતા પ્રભાવ વચ્ચે ગાંધીવાદી વિચારો સમાજ માટે સંતુલન ઊભું કરી શકે છે એવો તેમનો મત છે.