સારા તેંડુલકરે ખોલ્યું ગ્લોઈંગ સ્કિન અને ફિટનેસનું સિક્રેટ, વીડિયો શેર કરી જણાવી પોતાની ગ્રીન સ્મૂધીની રેસિપી

દરરોજ પીતી સ્મૂધીમાં લગભગ 35 ગ્રામ પ્રોટીન હોવાનો સારાનો દાવો, માચા અને અન્ય સામગ્રીનો કરે છે સમાવેશ

સારા તેંડુલકરે ખોલ્યું ગ્લોઈંગ સ્કિન અને ફિટનેસનું સિક્રેટ, વીડિયો શેર કરી જણાવી પોતાની ગ્રીન સ્મૂધીની રેસિપી

મુંબઈ, તા.૨૯
સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર પોતાની ફિટનેસ અને ગ્લેમરસ લૂકને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. તેના ચાહકો પણ તેની બ્યૂટી અને ફિટનેસ રૂટિન વિશે જાણવા ઉત્સુક રહેતા હોય છે. હવે સારાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને પોતાના ડાયટ રૂટિનનો એક ભાગ જાહેર કર્યો છે અને તે નિયમિત રીતે પીતી ગ્રીન સ્મૂધી અંગે માહિતી આપી છે.
સારાના જણાવ્યા અનુસાર તે દરરોજ ગ્રીન સ્મૂધીનું સેવન કરે છે, જેમાં લગભગ 35 ગ્રામ પ્રોટીન હોય છે. તેણે આ સ્મૂધીને પોતાની ફિટનેસ રૂટિન સાથે જોડીને તેની રેસિપી પણ ચાહકો સાથે શેર કરી છે.
આ હેલ્ધી ડ્રિંક તૈયાર કરવા માટે 1થી 2 ખજૂર, એક સ્કૂપ વનીલા પ્રોટીન, એક કપ અનસ્વીટેન્ડ આલ્મન્ડ મિલ્ક, એક સ્કૂપ કોલેજન પેપ્ટાઇડ્સ, એક ચમચી માચા, 1થી 2 ચમચી અનસ્વીટેન્ડ આલ્મન્ડ બટર અને આઇસ ક્યુબ્સનો ઉપયોગ કરવામાં આવે છે.
સારાના જણાવ્યા પ્રમાણે આ સ્મૂધી માત્ર સ્વાદ માટેનું પીણું નથી, પરંતુ તેમાં રહેલું પ્રોટીન તેના ફિટનેસ ડાયટનો પણ મહત્વપૂર્ણ ભાગ છે. માચાના સમાવેશને કારણે આ સ્મૂધી એન્ટીઑકિસડન્ટ્સનો સ્ત્રોત પણ બને છે. માચા લીલી ચાના પાંદડામાંથી તૈયાર થતો બારીક પાવડર છે, જે પોતાના ઘેરા લીલા રંગ અને વિશિષ્ટ સ્વાદ માટે ઓળખાય છે.
સારાએ આ સ્મૂધીને ત્વચાની સ્થિતિસ્થાપકતા અને ફિટનેસ સાથે પણ જોડી છે. જોકે, કોઈ એક ખાદ્યપદાર્થ કે સ્મૂધીથી જ ગ્લોઈંગ સ્કિન મળે છે તેવું માની શકાય નહીં, કારણ કે ત્વચા અને ફિટનેસ પર આહાર ઉપરાંત ઊંઘ, જીવનશૈલી, કસરત અને અન્ય પરિબળોની પણ અસર હોય છે.
સેલિબ્રિટીના ડાયટ રૂટિનને જોઈને તેને સીધું અનુસરવાને બદલે પોતાની શારીરિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે. ખાસ કરીને પ્રોટીન પાવડર અથવા કોલેજન જેવા સપ્લિમેન્ટ્સનો ઉપયોગ શરૂ કરતાં પહેલાં ડાયેટિશિયન અથવા તબીબી નિષ્ણાતની સલાહ લેવી યોગ્ય માનવામાં આવે છે.