દિવાળી બાદ દેશનું પાટનગર દિલ્હી ભારે પ્રદૂષિત

દિવાળી બાદ દેશનું પાટનગર દિલ્હી ભારે પ્રદૂષિત
Mint

અમદાવાદ તા.ર૯
દેશભરમાં પ્રકાશનો પર્વ દિપાવલી રંગેચંગે ઊજવાઈ ગયો એ ખૂબ સારી બાબત છે. બીજી તરફ દિવાળીની રાત્રિથી જ દેશના પાટનગર દિલ્હી સહિતના ઘણા રાજ્યોમાં પ્રદૂષણે હાહાકાર મચાવી દીધો છે. પ્રદૂષણના આ ભરડામાં આપણા ગુજરાતના અમદાવાદ જેવા શહેરો પણ ફસાઈ ચૂક્યા છે. અમદાવાદમાં દિલ્હી જેવી અત્યંત ખરાબ સ્થિતિ ભલે ન સર્જાઈ હોય પરંતુ સ્થિતિ ખરાબ તો થઈ જ હતી ખાસ કરીને ધૂળ અને ધૂમાડાના કારણે આંખોગળામાં બળતરા સહિતની તકલીફો સર્જાઈ અને એમાંયે ફેફસાં કે શ્વાસની તકલીફ ધરાવતા દર્દીઓની હાલત તો ભારે કફોડી થઈ ગઈ. સાજા નરવા માણસોને પણ બીમાર પાડી દેતી આ ઝેરી હવાએ ઠેરઠેર સ્થિતિ ખરાબ કરી નાખી. સામાન્ય રીતે દિવાળી પછીના દિવસે દિલ્હી સહિતના કેટલાક શહેરોની હવાની ગુણવત્તા એટલી હદે બગડે છે કે ઘણા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આ વર્ષે પરિસ્થિતિ ફરી વધુ ખરાબ થઈ ગઈ. મંગળવારે દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR)ના અન્ય વિસ્તારોમાં હવાની ગુણવત્તા "ખૂબ જ ખરાબ" શ્રેણીમાં આવી ગઈ. ઘણા વર્ષોથી દિલ્હીની પ્રદૂષણ સમસ્યા અંગે તમામ સ્તરે ગંભીર ચિંતાઓ ઉઠાવવામાં આવી રહી હોવા છતાં પરિસ્થિતિ પૂર્વવત્ જ છે. હવાને શુદ્ધ કરવા અને પ્રદૂષણ પેદા કરતી પ્રવૃત્તિઓને રોકવા માટે કડક પગલાં લેવાના દાવા કરવામાં આવી રહ્યા છે. આ વર્ષે દિવાળીને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે ગ્રીન ફટાકડાના ઉપયોગને મંજૂરી આપી હતી. જાે કે, આ છૂટનો કેટલો દુરૂપયોગ થયો તેનો અંદાજ એ હકીકત ઉપરથી લગાવી શકાય છે કે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે દિલ્હીના ઘણા વિસ્તારોમાં ૩૦૦થી ઉપર હવાની ગુણવત્તાના રીડિંગ્સ રેકોર્ડ કર્યા છે. ઉલ્લેખનીય છે કે ૩૦૦ અને ૪૦૦ વચ્ચેનો હવા ગુણવત્તા સૂચકાંક (AQI) રીડિંગ "ખૂબ જ ખરાબ" માનવામાં આવે છે. શિયાળાની શરૂઆત સાથે દિલ્હીમાં કન્ડેન્સ્ડ હવાને કારણે પ્રદૂષણ સંકટ વધુ ખરાબ થાય છે. આ લગભગ દર વર્ષે એક વાસ્તવિકતા છે, પરંતુ આશ્ચર્યજનક રીતે આ હકીકતો જાણવા છતાં સરકાર દ્વારા લેવામાં આવતા પગલાં કાં તો નામમાત્ર અથવા બિનઅસરકારક હોય છે. બીજી બાજુ મોટાભાગના દિલ્હીવાસીઓને લાગે છે કે આ સમસ્યાને નિયંત્રિત કરવામાં તેમની કોઈ ભૂમિકા નથી. પરિણામે પ્રદૂષણના પ્રકોપનો સામનો કરવા છતાં બહુ ઓછા લોકો તેના સામના માટે જવાબદારીની ભાવના દર્શાવે છે. તેનાથી વિપરીત મોટાભાગના લોકો સરકાર અથવા અદાલતો તરફથી નાની છૂટછાટો પછી એટલા બેલગામ બની જાય છે કે જાણે તેમને પ્રદૂષણ સંકટને વધુ વકરાવવાની પરવાનગી આપવામાં આવી હોય! હકીકતમાં આ વર્ષે સુપ્રીમ કોર્ટે ફટાકડા ઉપર પ્રતિબંધના મુદ્દા ઉપર થોડી રાહત આપી, ગ્રીન ફટાકડાના ઉપયોગને મંજૂરી આપી. જાે કે, પ્રદૂષણના અન્ય સ્ત્રોતોને નિયંત્રિત કરવા માટે દિવાળી પહેલા GRAP તબક્કો ૨ પણ લાગુ કરવામાં આવ્યો હતો, પરંતુ ફટાકડાના ઉન્માદને કારણે આ પ્રયાસ બિનઅસરકારક રહ્યો. શિયાળાની શરૂઆત સાથે પ્રદૂષણની સમસ્યાને હવામાન વધુ ખરાબ કરવામાં ભૂમિકા ભજવે છે તેમાં કોઈ શંકા નથી. જાેકે, તેના સામના માટે શું કરી શકાય છે એ અંગે સરકારે કડક પગલાં લેવા રહ્યા સાથોસાથ સ્થાનિક રહેવાસીઓએ પ્રદૂષણ સંકટમાં ફાળો આપવાનું ટાળવું જાેઈએ. આ મહત્ત્વની સમજણનો અભાવ જ દેશની રાજધાની હોવા છતાં દિલ્હીને હવે વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાંનું એક ગણવામાં આવે છે. ગુજરાત સહિતના અન્ય રાજ્યોએ પણ દિલ્હી જેવી પરિસ્થિતિ વણસે નહીં તેની રાહ જાેવાને બદલે પ્રદૂષણ સામે યુદ્ધ જાહેર કરવું રહ્યું. તો જ વર્તમાન પેઢી સ્વસ્થ રહી શકશે અને આગામી પેઢીઓને સ્વચ્છ પર્યાવરણની ભેટ આપી શકશે.