પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ ખાતે ‘આશીર્વાદ કા દિયા’ કાર્યક્રમ યોજાયો

૫૦૧ દીવડાઓના દીપ પ્રાગટ્ય સાથે જ્ઞાન, સંસ્કૃતિ અને રાષ્ટ્રનિર્માણનો સંદેશ અપાયો

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ ખાતે ‘આશીર્વાદ કા દિયા’ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ, તા. ૧૯
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે સેવા અને સમર્પણના ૨૫ વર્ષના સંદર્ભમાં યોજાઈ રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત બહાઉદ્દીન સરકારી વિનયન કૉલેજ, જૂનાગઢ ખાતે તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ ‘આશીર્વાદ કા દિયા’ કાર્યક્રમ યોજાયો હતો.
‘જ્ઞાન, સંસ્કૃતિ અને રાષ્ટ્રનિર્માણના દીવડા’ની ભાવના સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં કૉલેજના મુખ્ય મધ્યસ્થ ખંડમાં રંગોળી દ્વારા ભારતનો વિશાળ નકશો તૈયાર કરવામાં આવ્યો હતો. ભારતના નકશાની આસપાસ તથા સમગ્ર કૉલેજ પરિસરમાં કુલ ૫૦૧ દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. દીવડાઓની દિવ્ય જ્યોતિથી સમગ્ર પરિસર રાષ્ટ્રભક્તિ, સંસ્કાર અને ઉત્સાહની ભાવનાથી ઝળહળી ઉઠ્યું હતું.
આ પ્રસંગે અતિથિગણનું ભારતીય સંસ્કૃતિ મુજબ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સંયુક્ત દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા પ્રેરણાદાયી દેશભક્તિ ગીતોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. મહાનુભાવો દ્વારા જ્ઞાન, સંસ્કૃતિ અને રાષ્ટ્રનિર્માણના મહત્વ અંગે પ્રેરણાદાયી ઉદ્બોધન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે ભારતમાતાના નકશાની આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું. ‘આશીર્વાદ કા દિયા’ કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં જ્ઞાન, સંસ્કાર, સંસ્કૃતિ અને રાષ્ટ્રભક્તિના મૂલ્યોને ઉજાગર કરતું યાદગાર સંભારણું બની રહ્યો હતો.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પ્રદીપભાઈ ખીમાણી, ટાઉન પ્લાનિંગ ઓફિસર પરીનભાઈ ગાંધી તથા અધ્યક્ષસ્થાને કૉલેજના આચાર્ય ડૉ. જે. આર. વાંઝા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત એન.એસ.એસ.ના સ્વયંસેવકો, એન.સી.સી.ના કેડેટ્સ, સ્પોર્ટ્સ વિભાગના ખેલાડીઓ, કૉલેજ તથા હોસ્ટેલના વિદ્યાર્થીઓ મળી કુલ ૪૧૧ વિદ્યાર્થીઓ તેમજ કૉલેજનો શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.