મુખ્ય ચૂંટણી કમિશ્નર સામે આજે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી
એકતરફી નિર્ણય લેવાનો જ્ઞાનેશ કુમાર સામે આરોપ : નિર્ણય ન આવે ત્યાં સુધી કામગીરીથી દુર કરવાની માંગણી
(એજન્સી) નવી દિલ્હી,તા.૫:
સુપ્રીમ કોર્ટ આજે મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમાર સામે કરવામાં આવેલી બે અરજીઓ પર સુનાવણી કરશે. આ અરજીઓ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) સંબંધિત ર્નિણયો અંગે કરવામાં આવી છે. આરોપ છે કે SIR સંબંધિત આશરે ૧૪ ર્નિણયો અન્ય બે ચૂંટણી કમિશનરોની સંમતિ વિના જ લેવામાં આવ્યા હતા.
અરજદારોએ આ ર્નિણયો રદ કરવાની, જ્ઞાનેશ કુમાર સામે કેસ ચલાવવાની અને SIR દરમિયાન મતદારોના નામ દૂર કરવાના મામલે SIT તપાસની માંગ કરી છે. સાથે જ અંતિમ ર્નિણય આવે ત્યાં સુધી CECને પદની કામગીરીથી દૂર રાખવાની પણ માંગ કરવામાં આવી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જૉયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી મોહનાની બેંચ આ મામલે સુનાવણી આજે કરશે.
અરજીઓમાં કહેવામાં આવ્યું છે કે SIR દરમિયાન ૩૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ૧૩ કરોડ નામ હટાવવામાં આવ્યાં હતાં.
આ અરજી પટનાના રાકેશ કુમાર સિંહે કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પંચ એક બહુસદસ્યીય સંસ્થા છે. તેથી તેના ર્નિણયો એકપક્ષીય રીતે લઈ શકાય નહીં. તેમજ ચૂંટણી પંચના મૂળ રેકોર્ડની તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે, જેથી એ જાણી શકાય કે વિવાદિત પગલાં બંધારણીય અને કાનૂની વ્યવસ્થા અનુસાર લેવામાં આવ્યા હતા કે નહીં. વચગાળાની રાહત તરીકે અરજીમાં જ્ઞાનેશ કુમારને CEC પદ પરથી સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે.


