રાજય મંત્રીમંડળમાં મોટી ઉથલપાથલના સંકેતો : મુખ્યમંત્રી લીસ્ટ લઈને દિલ્હી જશે

નવરાત્રીમાં જ મંત્રીમંડળમાં મોટા ફેરફારોની શકયતા : કેટલાક વર્તમાન મંત્રી કપાશે : કેટલાક નવા ચહેરા આવશે : વ્યાપક અટકળો

રાજય મંત્રીમંડળમાં મોટી ઉથલપાથલના સંકેતો : મુખ્યમંત્રી લીસ્ટ લઈને દિલ્હી જશે

(બ્યુરો)      અમદાવાદ તા.૨૩: 
ગુજરાતમાં ચાર વર્ષ જૂની ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કેબિનેટનું વિસ્તરણ થવા જઇ રહ્યું છે. અનેક અટકળોના અંતે નવરાત્રી દરમ્યાન મંત્રીમંડળમાં મોટાપાયે ફેરફારો થવાની સંભાવના છે. 
વર્તમાન ક્યા મંત્રી કપાશે અને ક્યા નવા ચહેરા આવશે તે અંગે અટકળો વહેતી થઇ છે.
નવરાત્રીના સમયમાં જ ભાજપમાં રાજકીય ગરમાવો આવી રહ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની મુલાકાતોના અંતે કેબિનેટના વિસ્તરણને પાકાપાયે મંજૂરી મળી ગઇ છે. ખાસ કરીને 
નબળો દેખાવ કરનારા મંત્રીઓને કેબિનેટમાંથી દૂર કરવામાં આવશે અને પાર્ટીના સંગઠનમાં જે અસંતોષને તેને ખાળવા માટે નવા ચહેરાઓને કેબિનેટમાં સમાવવામાં આવશે.
રાજકીય વર્તુળોમાં થતી ચર્ચાઓ પ્રમાણે ચાર વર્ષ પછી થનારા વિસ્તરણમાં ૧૨ થી ૧૫ નવા ચહેરા આવી શકે છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ હેતુસર આજે મંગળવારે નવી દિલ્હી જઇ રહ્યાં છે. તેમની મુલાકાત દરમ્યાન ગુજરાતનું નવું સંભવિત મંત્રીમંડળ નિતિ થશે.
ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં શાસનના ચાર વર્ષ પૂર્ણ કર્યા છે. વિધાનસભાની ચૂંટણીઓ ૨૦૨૭માં થવાની છે ત્યારે તે 
પહેલાં કેબિનેટનું વિસ્તરણ કરીને ભાજપ હાઇકમાન્ડ એન્ટી ઇન્કમબન્સી ફેક્ટરને દૂર કરવા માગે છે. ભૂતકાળમાં પણ હાઇકમાન્ડે આખે આખું મંત્રીમંડળ બદલી નાંખ્યું હોવાના દાખલા છે. હવે જોવાનું એ રહે છે કે હાલના મંત્રીમંડળમાંથી ક્યા સભ્યો કપાય છે અને ક્યા નવા ચહેરાઓને સ્થાન મળે છે.