અમેરીકાએ હિન્દ મહાસાગરમાં શ્રીલંકા નજીક ઈરાનનું જહાજ ડુબાડયું : ૮૦ના મોત

અમેરીકાએ હિન્દ મહાસાગરમાં શ્રીલંકા નજીક ઈરાનનું જહાજ ડુબાડયું : ૮૦ના મોત

(એજન્સી)            કોલંબો,તા.૫:
હિંદ મહાસાગરના શાંત પાણી અત્યારે અમેરિકા અને ઈરાન વચ્ચેના ભીષણ સંઘર્ષનું મેદાન બન્યું છે. વોશિગ્ટનથી મળતા અહેવાલો મુજબ અમેરિકન નૌકાદળે એક મોટું ઓપરેશન પાર પાડીને ઈરાનના યુદ્ધજહાજને મધદરિયે ડૂબાડી દીધું છે. આ ઘટનાએ વૈશ્વિકસ્તરે સનસનાટી મચાવી દીધી છે, કારણ કે અત્યાર સુધીમાં મધ્ય પૂર્વ પૂરતો સીમિત ગણાતો આ સંઘર્ષ હવે દક્ષિણ એશિયાના દરિયાઈ માર્ગો સુધી વિસ્તરી રહ્યો છે. અમેરિકાએ આ હુમલા દ્વારા ઈરાનને કડક સંદેશ આપ્યો છે કે તેઓ કોઈ પણ ઉશ્કેરણીનો આ જ રીતે જડબાતોડ જવાબ આપશે.
અમેરિકી રક્ષા મંત્રી પીટ હેગસેથે સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે તેમની નેવીએ આજે સવારે સબમરીન (Submarine) દ્વારા ઈરાની વોરશિપ 'IRIS ડેના' પર સફળ હુમલો કર્યો હતો. શ્રીલંકાના દક્ષિણ દરિયાકાંઠે થયેલા આ હુમલામાં જહાજ પર સવાર કુલ ૧૮૦ લોકોમાંથી ૮૦ લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે. આ હુમલો એટલો આક્રમક હતો કે જહાજ ગણતરીની મિનિટોમાં દરિયામાં ગરકાવ થઈ ગયું હતું. આ સાથે જ હેગસેથે દાવો કર્યો હતો કે ઈરાને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું કાવતરું ઘડ્યું હતું, જેના જવાબમાં અમેરિકાએ આ આક્રમક પગલું ભર્યું છે.
જ્યારે ઈરાની જહાજ ડૂબી રહ્યું હતું, ત્યારે તેના પરથી ઇમરજન્સી સિગ્નલ (Distress Call) મળતા જ શ્રીલંકન નૌકાદળ એક્શનમાં આવ્યું હતું. શ્રીલંકાના રક્ષા મંત્રાલયે જણાવ્યું કે તેમણે તાત્કાલિક બચાવ ટુકડીઓ રવાના કરી હતી અને અત્યાર સુધીમાં ૩૨ લોકોને સમુદ્રમાંથી જીવતા બહાર કાઢયા છે. પીડિત તમામ લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.