આવતીકાલે માંના નવલા નોરતે કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીની પરંપરાગત પદયાત્રા યોજાશે
સતત ૧૬મા વર્ષે પદયાત્રાનું આયોજન, પદયાત્રા પૂર્ણ થયે શ્રી ખોડલધામ મંદિરે ધ્વજારોહણ કરાશે : નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાનારી પદયાત્રામાં હજારો પદયાત્રિકો જોડાશે:નવલાં નોરતાં દરમ્યાન દરરોજ માતાજીને અવનવા શણગાર, હવન અને ધ્વજારોહણ કરવામાં આવશે
(પ્રતિનિધી દ્વારા)
રાજકોટ, તા. ૧૦
ખોડલધામની દર વર્ષની પરંપરા પ્રમાણે સતત ૧૬મા વર્ષે નવરાત્રિના પ્રથમ દિવસે તા. ૧૧ ઓક્ટોબરે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા શ્રી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં આ પદયાત્રામાં દર વર્ષની જેમ બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે અને શ્રી ખોડલધામ મંદિરે પહોંચી મા ખોડલના દર્શન કરી, આશીર્વાદ લેશે. કાગવડ ગામથી શ્રી ખોડલધામ મંદિરે પદયાત્રા થકી પહોંચ્યા બાદ મંદિરે ધ્વજારોહણ કરવામાં આવશે. નવરાત્રિના નવે-નવ દિવસ માતાજીને અવનવા શણગાર, હવન અને ધ્વજારોહણ કરી શ્રદ્ધાળુઓ આરાધના કરશે. નવરાત્રિ દરમ્યાન શ્રી ખોડલધામ મંદિર પરિસર લાઇટિંગથી ઝગમગી ઉઠશે.ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા દર વર્ષે આસો મહિનાની નવરાત્રિના પ્રથમ નોરતે શ્રી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જે ક્રમ આ વર્ષે પણ ચાલુ રાખી પ્રથમ નોરતે ૧ ઓક્ટોબર ને રવિવારના રોજ સવારે ૯ કલાકે કાગવડ ગામથી શ્રી ખોડલધામ મંદિર સુધીની યોજાનાર પરંપરાગત પદયાત્રામાં શ્રદ્ધાળુઓ જોડાશે અને મા ખોડલના જય જયકાર સાથે શ્રી ખોડલધામ મંદિર પહોંચશે અને મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવી ધ્વજારોહણ કરવામાં આવશે. પ્રથમ નોરતે શ્રી ખોડલધામ મંદિર પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં યજ્ઞ પણ કરવામાં આવશે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલની આગેવાનીમાં યોજાનારી આ પદયાત્રામાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટીશ્રીઓ, શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટના ટ્રસ્ટીશ્રીઓ, શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન વેરાવળ-સોમનાથના ટ્રસ્ટીશ્રીઓ, શ્રી ખોડલધામના ઝોન કન્વીનરશ્રીઓ, જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કન્વીનરશ્રીઓ, શ્રી ખોડલધામ મહિલા સમિતિ, શ્રી ખોડલધામ યુવા સમિતિ, શ્રી ખોડલધામ મીડિયા સમિતિ, શ્રી ખોડલધામ શિક્ષણ પાંખ, શ્રી ખોડલધામ લિગલ સમિતિ, અન્ય સમિતિઓ અને તમામ સમાજના ભાઈઓ-બહેનો જોડાશે.આ વર્ષે કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીની યોજાનાર પદયાત્રાને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અત્યારથી જ પદયાત્રાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. પદયાત્રાના રૂટ પર સ્વયંસેવકો વ્યવસ્થા જાળવવા ખડેપગે રહેશે. શ્રી ખોડલધામ મંદિર ખાતે શ્રદ્ધાળુઓ માટે ફરાળ અને અલ્પાહારની વ્યવસ્થા કરાઈ છે. પ્રથમ નોરતે સવારે ૯ કલાકે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ અને અન્ય ટ્રસ્ટીઓની હાજરીમાં કાગવડ ગામથી શ્રી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રાનો પ્રારંભ થશે. મા ખોડલના રથની આગેવાનીમાં ગરબે રમતાં રમતાં શ્રદ્ધાળુઓ પદયાત્રામાં જોડાઈને ખોડલધામ મંદિરે પહોંચશે. પદયાત્રાનું સમાપન શ્રી ખોડલધામ મંદિરે થશે. મંદિરે પહોંચીને મા ખોડલની મહાઆરતી કરી મંદિરના શિખર પર ધ્વજારોહણ કરી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવશે.નવરાત્રિ દરમિયાન દરરોજ શ્રી ખોડલધામ મંદિરે યજ્ઞશાળામાં હવન કરાશે અને મા ખોડલને રોજ અવનવા શણગાર અને ધ્વજારોહણ કરી શ્રદ્ધાળુઓ દ્વારા મા ખોડલની આરાધના કરવામાં આવશે.


