ઈરાન-અમેરીકા વચ્ચે શાંતિકરાર થવાની શકયતા : ર૧ એપ્રિલ પહેલા ડીલ કરાવવાનો પ્રયાસ
પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર વોશિંગ્ટનનો સંદેશ લઈને તહેરાન પહોંચ્યા
(એજન્સી) તહેરાન તા.૧૬
અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવા માટે એક સમજૂતીની નજીક પહોંચી ગયા છે. અમેરિકી મીડિયા એક્સિઓસે અમેરિકી અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે ૨૧ એપ્રિલે સમાપ્ત થઈ રહેલા યુદ્ધવિરામ પહેલાં સમજૂતી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન ગુરુવારે તેહરાનમાં ઈરાની અધિકારીઓ અને પાકિસ્તાની સેના પ્રમુખ આસિમ મુનીર વચ્ચે મહત્વપૂર્ણ વાતચીત થઈ રહી છે. આ માહિતી મીડિયા ‘તસ્નીમ‘ દ્વારા આપવામાં આવી હતી.
આસિમ મુનીર બુધવારે જ તેહરાન પહોંચ્યા હતા અને વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સાથે મુલાકાત કરી. પાકિસ્તાની સેનાએ પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે મુનીરના નેતૃત્વ હેઠળનું આ પ્રતિનિધિમંડળ અમેરિકાનો સંદેશ લઈને ઈરાન ગયું છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, બંને દેશો વચ્ચે વાતચીત આગળ વધી છે, પરંતુ બંને પક્ષો વચ્ચે હજુ પણ મતભેદો યથાવત છે. આ પ્રક્રિયામાં પાકિસ્તાન, ઈજિપ્ત અને તુર્કી મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યા છે.
અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ, સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર, ઈરાન અને મધ્યસ્થી દેશો સાથે સતત વાતચીત કરી રહ્યા છે અને ડ્રાફ્ટ પ્રસ્તાવોનું આદાનપ્રદાન ચાલુ છે.


