એલપીજી સપ્લાય સામાન્ય થવામાં ૩-૪ વર્ષનો સમય લાગશે

એલપીજી સપ્લાય સામાન્ય થવામાં ૩-૪ વર્ષનો સમય લાગશે

(એજન્સી)    નવી દિલ્હી,તા.૧૬:
મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને હોર્મુઝ જળસંધિ પર લાગેલી નાકાબંધીને કારણે ભારત સુધી પહોંચતી LPG ગેસની સપ્લાય પર મોટી અસર થઈ છે. એક સરકારી અધિકારીના જણાવ્યા મુજબ વૈશ્વિક LPG સપ્લાય ચેઇન સંપૂર્ણપણે પુન:સ્થાપિત થવામાં ત્રણથી ચાર વર્ષ લાગી શકે છે. સંકટની ગંભીરતા એથી પણ સમજી શકાય છે કે હજી સુધી સ્પષ્ટ નથી કે ખાડી દેશોમાં ઉત્પાદન તાત્કાલિક બંધ થયું છે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કાયમી નુકસાન થયું છે.
આ સરકારી અધિકારીએ નામ નહીં જણાવવાની શરતે જણાવ્યું હતું કે સપ્લાયમાં વિક્ષેપ પાછળ અનેક કારણો જવાબદાર છે. હજી સ્પષ્ટ નથી કે ઓઇલના કૂવા ખાલી થઈ ગયા છે કે યુદ્ધને કારણે ઉત્પાદન બંધ કરવામાં આવ્યું છે. વિદેશી સપ્લાયરો પાસેથી મળેલી માહિતી મુજબ સપ્લાય ચેઇન ફરી સામાન્ય થવામાં ઓછામાં ઓછાં ત્રણ વર્ષ કે તેથી વધુ સમય લાગી શકે છે. ઈરાન દ્વારા સાઉદી અરેબિયા અને એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કરાયેલા હુમલાઓને કારણે ગેસ ઉત્પાદન અને લોડિગ ક્ષમતા ગંભીર રીતે પ્રભાવિત થઈ છે.
ભારત તેની LPG જરૂરિયાત લગભગ 60 ટકા ભાગ આયાત દ્વારા પૂરી કરે છે, જેને કારણે તે વૈશ્વિક પરિસ્થિતિઓ સામે વધુ સંવેદનશીલ બને છે. યુદ્ધ પહેલાં ભારતની લગભગ 90 ટકા LPG સપ્લાય હોર્મુઝ જળસંધિ મારફતે આવતી હતી. 24 માર્ચ સુધી ખાડી દેશોમાંથી આયાતનો હિસ્સો ઘટીને 55 ટકા રહ્યો છે, જે મોટી સપ્લાય ખલેલનો સંકેત આપે છે. રિપોર્ટ મુજબ નવા રસ્તાઓ શોધવા છતાં સપ્લાયમાં 40-50 ટકા સુધીની ઘટ રહેવાની શક્યતા છે.