ઓખા પાલિકાના ત્રિપાંખિયા જંગમાં ૩૬માંથી ૩૩ બેઠક મેળવી ભાજપનો ભવ્ય વિજય
(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.૧૪
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત મેળવીને નગરપાલિકા પર પોતાનો કબજો જમાવ્યો છે. કુલ ૩૬ બેઠકોમાંથી ભાજપે ૩૩ બેઠકો પર જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસને માત્ર ૩ બેઠકો મળી છે. ભાજપના આ શાનદાર પ્રદર્શનથી પક્ષની છાવણીમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ઓખા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો હતો. ત્રણેય પક્ષોના ઉમેદવારો મેદાનમાં હતા, પરંતુ પરિણામોમાં ભાજપે એકતરફી પ્રદર્શન કર્યું છે. ગઈકાલે સવારથી દ્વારકાની એનડીએચ હાઇસ્કુલ ખાતે યોજાયેલી મત ગણતરીમાં ભાજપે ૩૩ બેઠકો જીતીને નગરપાલિકા પર કબજો બરકરાર રાખ્યો છે, જ્યારે કોંગ્રેસને માત્ર ૩ બેઠકો મળી છે. આમ આદમી પાર્ટી એક પણ બેઠક જીતી શકી નથી. દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઓખા નગરપાલિકામાં કુલ ૯ વોર્ડની ૩૬ બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જોકે, ચૂંટણી પહેલાં જ વોર્ડ નંબર ૪ ની ૪ બેઠકો ભાજપ તરફે બિનહરીફ થઈ ગઈ હતી. ત્યાર બાદ બાકીની ૩૨ બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ચૂંટણી પરિણામો જાહેર થતાં ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે નગરપાલિકામાં પુન: સત્તા મેળવી છે. ઓખા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના શાનદાર વિજય બાદ ધારાસભ્ય પબુભા માણેકે તમામ વિજેતા સભ્યોને અભિનંદન પાઠવ્યાં હતા. અને આને વિકાસની જીત ગણાવી હતી. તમામ સમાજ સમજદાર હોવાનું તેમણે ઉમેર્યું હતું અને વિજેતા સભ્યો સારૂ કામ કરશે તેવી ખાતરી પણ આપી હતી. આટલું જ નહીં, કોંગ્રેસના વિજેતા સભ્યો પણ થોડા સમયમાં જ કોંગ્રેસથી થાકી જશે તેમ પણ તેમણે વધુમાં કહ્યું હતું. ભાજપના કાર્યકરો અને આગેવાનોમાં જીતને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ઓખા નગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતાં હવે પ્રમુખ પદની પસંદગીને લઈને ચર્ચા શરૂ થઈ છે. ઓખા નગરપાલિકાનું પ્રમુખ પદ સામાન્ય બેઠક માટે અનામત છે. હવે ભાજપ કોને પ્રમુખ પદની જવાબદારી સોંપે છે તેના પર સૌની નજર રહેશે. ૩૩ બેઠકો સાથે ભાજપે પાલિકામાં મજબૂત સ્થિતિ મેળવી છે, ત્યારે આ વચ્ચે ઉલ્લેખનીય છે કે ગત ટર્મની ચૂંટણીમાં ભાજપને ૩૬ પૈકી ૩૪ બેઠક મળી હતી. આ વખતે કોંગ્રેસને એક સીટનો વધારો થયો છે.


