ગુજરાતમાં જુન મહિનામાં વરસાદની 82 ટકા ખાદ્ય : સૌરાષ્ટ્ર-કચ્છમાં 92 ટકા

ગુજરાતમાં જુન મહિનામાં વરસાદની 82 ટકા ખાદ્ય : સૌરાષ્ટ્ર-કચ્છમાં 92 ટકા

(બ્યુરો)          અમદાવાદ, તા.1
ગુજરાતમાં ચાલુ સપ્તાહમાં સાવર્ત્રિક વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે પરંતુ ગઈકાલે પૂર્ણ થયેલા જુન મહિનામાં વરસાદની ખાદ્ય 82 ટકા રહી છે જે દેશના અન્ય તમામ રાજ્યો કરતા સૌથી વધુ છે. ગુજરાતમાં પણ સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનમાં વરસાદી ખાદ્ય 92 ટકા જેવી ધરખમ છે.
હવામાન વિભાગના રીપોર્ટ પ્રમાણે ગુજરાતમાં જુન મહિનામાં સરેરાશ 110.8 મીમી વરસાદ થતો હોય છે તેની સામે આ વખતે માત્ર 20.5 મીમી પાણી વરસ્યું છે. બીજા ક્રમે મેઘાલયમાં 74 ટકા, મણીપુરમાં 71 ટકા તથા છતીસગઢમાં 65 ટકાની ખાદ્ય છે.
60 ટકા કે તેથી વધુ પ્રમાણમાં ઓછો વરસાદ થયો હોય તેને મોટી ખાદ્ય ગણવામાં આવે છે. અમદાવાદ જિલ્લામાં જુનમાં સરેરાશ 98.2 મીમી વરસાદ થતો હોય છે તેની સામે માત્ર 22.8 મીમી થયો છે અર્થાત 77 ટકાની ખાદ્ય છે. રાજકોટમાં ગત વર્ષે 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો જ્યારે ચાલુ વર્ષે અર્ધો ઇંચ પણ પાણી પડ્યું નથી. રાજ્યના તમામ શહેર-જિલ્લાઓમાં સમાન હાલત છે.
હવામાન નિષ્ણાંતોના કહેવા પ્રમાણે ગુજરાત તથા શહેર-જિલ્લાઓ માટે છેલ્લા અનેક વર્ષોનો જુન સૌથી સુકો મહિનો સાબિત થયો છે. રાજ્યના આઠ જિલ્લાઓમાં વરસાદી ખાદ્ય 90 ટકાથી પણ વધુ છે.