ચોમાસાનાં આગમન સમયે ફુટી નીકળતા આગાહીકારોએ અચાનક મૌન ધારણ કરી લીધું, અલનીનોએ તમામ આગાહી ખોટી પાડી
આગાહીકારો કોક તો જણાવો.... મેઘરાજા મન મુકીને કયારે વરસશે ?
જૂનાગઢ તા. ર
જૂનાગઢ સહીત સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતનાં ઘણાં વિસ્તારોમાં વરસાદ ખુબજ ઓછો થયો છે. અને ઘટ જાેવા મળી રહી છે. ચોમાસાનાં અંતિમ દિવસો શરૂ થયા છે. પરંતુ જાેઈએ તેવો વરસાદ પડતો નથી. માત્ર ઝાંપટા રૂપે વરસાદ કયાંક વરકસે છે. દરમ્યાન વરસાદ અંગેની આગાહી કરતા આગાહીકારોમાંથી મોટા ભાગનાં ગુમ થયા છે અને વરસાદ સંબંધીત આગાહીઓ થતી નથી. આજે જયારે વરસાદ જાેઈએ તેવો પડતો નથી ત્યારે આગાહીકારો કોક તો સારા વરસાદની આગાહી કરો જેથી લોકોનાં દિલને ઠંડક પહોંચે તેવી ચર્ચાઓ ઉઠવા પામી છે.
સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતમાં આ વર્ષે કેટલાક વિસ્તારોમાં અપુરતા અને ઓછો વરસાદ થયો છે. ત્યારે ચિંતાજનક સ્થિતી ઉભી થઈ છે. ખેતરમાં લહેરાતા પાક જાે સમયસર સિંચાઈ માટેનું પાણી ન મળે તો મુરઝાઈ જવાનો ભય ઉભો થયો છે. વરસાદનાં સંકટને પગલે ખેતપાકો ઉપર ગંભીર ખતરો તોળાઈ રહયો છે. એક તકે તો ખેતીપાક નિષ્ફળ જવાની ભીંતિ સેવાઈ રહી છે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સારા વરસાદની આશા સેવવામાં આવી રહી છે તેમજ મેઘરાજાને પ્રાર્થના કરવામાં આવી રહી છે. વરસાદ અંગેની આગાહી કરનારાઓ મોટા ભાગના ‘ગુમ’ થઈ ગયા હોવાનો ઘાટ સર્જાયો છે. અલનીનોની અસરને કારણે આજે ચોમાસાનાં વરસાદની આગાહીઓ મોટાભાગે ખોટી સાબીત થઈ છે. સારો વરસાદ કયારે પડે તે કોઈ છાતી ઠોકીને કહી શકે તેવી સ્થિતી નથી. બીજીતરફ ચોમાસાનાં ૩ માસ પુરા થઈ ગયા છે અને ચામાસુ અંતિમ ચરણમાં પ્રવેશી ગયું છે. તેવા સમયમાં ઉભી થનારી પરિસ્થિતીમાં એક માત્ર ઈશ્વર સહારો રહયો છે.
આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે અને મોટાભાગનો આધાર ખેતીનાં અર્થતંત્ર ઉપર રહેલો છે. અને ચોમાસુ એ માનવજીવન માટે જીવાદોરી સમી જડીબુટ્ટી છે. ચોમાસાનાં વરસાદનાં આધારે કૃષિ ચિત્ર, અર્થ વ્યવસ્થા અને વેપાર, ધંધા કેવા રહેશે તે અંગે સ્પષ્ટ થતું હોય છે. ચોમાસુ નજીક આવતું જાય તેમ જગતનો તાત ખેતીપાક માટેની તૈયારીમાં લાગી જાય છે. મોંઘા ભાવનું બિયારણ, ધિરાણ વગેરે સબબ દેવુ કરીને પણ પોતાના ખેતરમાં મગફળી, કપાસ સહીતનું વાવેતર કરે છે અને મેઘરાજાની કૃપા થતાં સારો વરસાદ બાદ ખેત ઉત્પાદનો તૈયાર કરી અને બજારમાં મુકવામાં આવે અને સાથેજ વેપાર, ધંધાનું તંત્ર પણ ધમધમવા લાગે અને આખુ કૃષિ ક્ષેત્રમાં તેજી છવાઈ જાય, ચોમાસા ઉપરજ જનજીવન આધારીત છે ત્યારે ચોમાસુ કેવું રહેશે તે અંગેની આગાહીઓ વરસાદ સંબંધીત આગાહીનાં નિષ્ણાંતો દ્વારા અગાઉથી જ કરવામાં આવતી હોય છે અને મોટાભાગની વરસાદ અંગેની આગાહીઓ સાચી પણ પડતી હોય છે. જેથી હવે તો આગાહીકારોની આગાહીઓને ધ્યાને લઈ ખેડુતો પણ ખેતી માટેની કામગીરી કરતા થયા છે. દરમ્યાન આ વર્ષે અલનીનોની અસર વચ્ચે ચોમાસાનાં સમય ચક્રને સંપુર્ણ ફેરવી નાખ્યું છે. ચોમાસુ શરૂ થવાનાં દિવસો એ આ વર્ષે ૧પ દિવસ ચોમાસુ મોડું થયું હતું અને જુલાઈ માસમાં પ્રથમ સપ્તાહમાં સારો વરસાદ પડી જતા આનંદ છવાઈ ગયો હતો. ખેડુતોએ હોશે હોંશે વાવણી કાર્ય પણ કરી નાખતા આજે ખેતરોમાં ખેત પાકો લહેરાવા લાગ્યા છે. અને ખેત પાકોને વરસાદની જરૂર છે તેવા સમયેજ હાલ વરસાદ ખેંચાયો છે. ત્યારે ખેડુતોને પોતાના પાકની માવજત માટે સિંચાઈનાં પાણીની આવશ્યકતા છે. બરાબર તેવા સમયે જ વરસાદ પડતો નથી. ઓગષ્ટ માસ પુરો થયો છે અને સપ્ટેમ્બર માસ શરૂ થયો છે. જે ચોમાસાનાં અંતિમ દિવસો ગણાય છે. અને નજીકનાં સમયમાં જ વર્ષાઋતુની વિદાય શરૂ થશે. દરમ્યાન ગુજરાતમાં એકંદરે વરસાદમાં ૧૪ ટકાની ખાધ પડી છે. કુલ ૩૪ જિલ્લા પૈકી ૧૮ જિલ્લામાં વરસાદ સામાન્ય સરેરાશ વરસવો જાેઈએ તેના કરતા પણ ઓછો થયો છે. જૂનાગઢ જિલ્લામાં ૪૭૯ મી.મી. વરસાદ નોંધાયો છે. જે ૩પ ટકા કરતા પણ ઓછો છે. વરસાદની ઘટ સામે ખેતીના પાકોને અસર થઈ રહી છે. ડેમો, તળાવોમાં પાણીનો સંગ્રહ ઘટયો છે. જેના કારણે જાે વરસાદ ઓછો થાય તો ખેતીનાં પાકો નિષ્ફળ જાય તેવી દહેશત ઉભી થઈ છે. આ ઉપરાંત પીવાનાં પાણીનું પણ સંકટ ઉભું થશે તેવો ભય દર્શાવવામાં આવી રહયો છે. દરમ્યાન ચોમાસાને લગતી આગાહી કરનારા આજે મોટાભાગનાં આગાહીકારો અદ્રશ્ય બની ગયા છે. આગાહી કરવા માટે ફુટી નીકળતા આગાહીકારો વરસાદ સારો પડે તેવી આગાહી કયારે કરશે તેની રાહ જાેવાઈ રહી છે.


