તા.૪ જાન્યુઆરીએ ૪૦મી અખીલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે

ગિરનારને આંબવા ૧૧૧પ સ્પર્ધકો દોટ લગાવશે : તડામાર તૈયારીને આખરી ઓપ

તા.૪ જાન્યુઆરીએ ૪૦મી અખીલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે
Gujarati Mid-day

જૂનાગઢ તા.૧
જૂનાગઢ સહિત ગુજરાત તેમજ દેશભરના વિવિધ રાજયોના યુવાનોમાં જાેમ-જુસ્સો અને સાહસ જગાડનારી તેમજ કઠોર અને ખડતલ એવી ગરવા ગિરનાર ખાતે પ્રતિવર્ષ યોજાતી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા રાજયકક્ષાની આગામી 
તા. ૪ જાન્યુઆરીના યોજવામાં આવનાર છે. આ સ્પર્ધાને લઈને યુવાનોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. રાજયકક્ષાની ગિરનાર આરોહણ સ્પર્ધામાં આ વર્ષે ૧૧૧પ સ્પર્ધકો ગિરનારને આંબવા દોટ લગાવશે. રાજય કક્ષાની સ્પર્ધા યોજાયા બાદ રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ સ્પર્ધા યોજાશે. દરમ્યાન આગામી તા.૪ જાન્યુઆરીએ યોજાનારી ગિરનાર આરોહણ સ્પર્ધા માટેની તડામાર તૈયારી હાથ ધરવામાં આવી છે.
ગુજરાત રાજયના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત આગામી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાઓને લઈને તંત્ર દ્વારા ૪૦મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા ર૦રપ-ર૬ માટે પસંદગી પામેલા ખેલાડીઓની યાદી સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે. આ સાથે જ આગામી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ચુકી છે.
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર રાજય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામેલા તમામ સ્પર્ધકોએ તા.૦૩-૦૧-ર૦રપ શુક્રવારના રોજ બપોરે ૩ કલાકે ભવનાથ તળેટી ખાતે ફરજીયાત રિપોર્ટીંગ કરવાનું રહેશે. તંત્ર દ્વારા સ્પર્ધકોની સુવિધા માટે અલગ-અલગ સ્થળો ફાળવવામાં આવ્યા છે. જેમાં સિનિયર ભાઈઓ માટે સનાતન હિન્દુ ધર્મશાળા, જુનિયર ભાઈઓ માટે તળપદા કોળી સમાજની વાડી, સિનિયર તથા જુનિયર બહેનો માટે ભરવાડ સમાજની વાડીની જગ્યા નક્કી કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, આ વર્ષે રાજયકક્ષાની સ્પર્ધા માટે કુલ ૧૩૭૪ રજીસ્ટ્રેશન થયા હતા, જેમાથી ૧૧૧પ સ્પર્ધકો પસંદગી પામ્યા છે, જયારે રપ૯ ફોર્મ રિજેકટ થયા છે. સ્પર્ધા માટે સૌથી વધુ સિનિયર ભાઈઓ પ૧૩ અને સૌથી ઓછા સિનિયર બહેનો ૧ર૪ પસદંગી પામ્યા છે. આગામી ૪ જાન્યુઆરીએ આ તમામ સ્પર્ધકો ગિરનારને આંબવા માટે હરણફાળ ભરશે. આ સ્પર્ધાને સફળ બનાવવા જૂનાગઢ જીલ્લા યુવા વિકાસ અધિકારી એન.ડી. વાળાના માર્ગદર્શનમાં કામગીરી કરવામાં આવી રહી છે. આ સ્પર્ધામાં બહેનો માટે માળી પરબની જગ્યા સુધી અને ભાઈઓ માટે અંબાજી સુધીની આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પસંદગી પામેલા ૧૧૧પ સ્પર્ધકો પૈકી જે સ્પર્ધકો વિજેતા થશે તેમને વિજેતા શ્રેણી મુજબ ઈનામ વિતરણ કરવામાં આવશે.

અખીલ ભારતીય ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા ર૦ર૬ માટે રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ
ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા માત્ર રાજય પુરતી સીમીત ન રહેતા રાષ્ટ્રીય ફલક પર પણ આયોજીત થાય છે. તંત્ર દ્વારા રાજયકક્ષાની સાથે સાથે હવે અખીલ ભારતીય ગિરનાર પર્વત આરોહણ-અવરોહણ સ્પર્ધા-ર૦ર૬ માટેની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે.  દેશભરના સાહસિક યુવાનો જેની આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા, તે રાષ્ટ્રીય કક્ષાની આ પ્રતિષ્ઠિત સ્પર્ધા આગામી ૧લી ફેબ્રુઆરી ર૦ર૬ના રોજ યોજવામાં આવશે. વિશેષમાં આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા સ્પર્ધકો માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ફોર્મ ભરવાની અંતિમ તારીખ ર જાન્યુઆરી ર૦ર૬ રાખવામાં આવી છે. સરકાર દ્વારા સાહસિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે આ સ્પર્ધકો માટે કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી નથી. વિશેષ સુવિધાના ભાગરૂપે સ્પર્ધકોને રહેવા અને જમવાની વ્યવસ્થા ઉપરાંત, સરકારના નિયમોનુસાર આવવા-જવાનું રેલ્વે ભાડુ પણ ચુકવવામાં આવશે. આ રોમાંચક સ્પર્ધામાં જાેડાવા માંગતા અને શારીરિક ક્ષમતા ધરાવતા યુવક-યુવતિઓએ સત્વરે જૂનાગઢ બહુમાળી ભવન ખાતે આવેલી જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીનો રૂબરૂ સંપર્ક કરી ફોર્મ ભરી જમા કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.