છેલ્લા ત્રણ દિવસથી દિપડાએ ઉપરકોટને બાનમાં લીધું : પ્રવાસીઓ માટે કિલ્લો બંધ
દિપડાને પાંજરે પુરવા વન વિભાગની કવાયત
જૂનાગઢ તા.ર
જૂનાગઢ શહેરની શાન સમા ઐતિહાસીક ઉપરકોટ ખાતે છેલ્લા ૩ દિવસથી દિપડાના ધામા હોય, પ્રવાસી જનતા માટે ઉપરકોટ બંધ રાખવામાં આવેલ છે. દિપડાને પકડી પાડવા માટે વન વિભાગ દ્વારા ભારે કવાયત કરવામાં આવી રહી છે. પરંતુ આ લખાય છે ત્યાં સુધી હજુ દિપડો પાંજરે પુરાયો નથી.
જૂનાગઢ ગિરનાર ભવનાથ ક્ષેત્રમાં તેમજ શહેરને અડીને આવેલા વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી હિંસક પ્રાણીઓની અવર-જવર રહે છે. સિંહ, દિપડા સતત ફરતા રહ્યા હોય જેને લઈને ભયનો માહોલ પણ પ્રવર્તી રહ્યો છે. આ દરમ્યાન જૂનાગઢ શહેરના ઐતિહાસીક ઉપરોકટ નજીક દિપડો દેખાયો હોવાનો બનાવ બન્યો હતો. જેમાં ધારાગઢ વિસ્તાર પાસેથી ઉપરકોટની દિવાલ પર રવિવારે બપોરના સમયે દિપડો જાેવા મળ્યો હતો. દિપડો દેખાતા વન વિભાગની ટીમે સ્થળ પર તપાસ કરી અને ઉપરકોટ કિલ્લામાં પ્રવાસીઓ માટે પ્રવેશ બંધ કરવામાં આવ્યો હતો. રવિવાર બાદ સોમવારે રાત્રીના સમયે ફરી ઉપરકોટમાં દિપડો દેખાયો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. રાત્રીના સમયે દિપડાએ કુતરાનું મારણ કર્યું હતું. અને સોમવારે કિલ્લો બંધ રહ્યા બાદ મંગળવારે પણ આખો દિવસ પ્રવાસીઓ માટે ઉપરકોટ બંધ રાખવામાં આવ્યો હતો. દિપડો દેખાયાની ઘટના બાદ વન વિભાગ દ્વારા બે પાંજરા મુકી તેમાં મારણ મુકયું હોવા છતાં દિપડો પાંજરે પુરાયો નથી. દરમ્યાન ગઈકાલે મંગળવારની રાત્રે ૧પ વન કર્મચારીઓ તૈનાત કરી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દિપડો પાંજરે ન પુરાતા વધુ એક પાંજરૂ ઉપરકોટ કિલ્લા ખાતે રાખવામાં આવ્યું છે અને આ સાથે જ વન કર્મચારીનો સ્ટાફ પણ વધારી દેવામાં આવ્યો છે. ઉપરકોટમાં કુલ ૩ પાંજરા મુકીને દિપડાને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.


